ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (14:39 IST)

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્પદંશ સંશોધન સંસ્થાનનું નિર્માણ કરાશે

દેશમાં ચેન્નઇ બાદ ગુજરાત બીજુ રાજ્ય સાપના ઝેરમાંથી દવા બનાવશે
 

રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્પદંશ સંશોધન સંસ્થાનનું નિર્માણ થશે. તેમજ સર્પના ઝેરમાંથી દવા પણ બનાવવામાં આવશે. દેશમાં ચેન્નાઇ બાદ ગુજરાતમાં આવા સંશોધન સંસ્થાનનું નિર્માણ થશે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેસ્ટ્રી રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા અયોજિત સર્પદંશ વ્યવસ્થાપન વિષય ઉપર એક દિવસીય વર્કશોપનું ખુલ્લો મુકતાં વન મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સાપની ૩૫૦૦ જેટલી જાતિઓ છે. જેમાંથી ૩૦૦ જેટલી જાતિ મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે. તેમજ રાજ્યમાં વિવિધ બાવન અલગ અલગ જાતિના સાપ જોવા મળે છે. ત્યારે રાજ્યમાં સર્પદંશ અંગેના  સંશોધનો થાય અને તેના સંભવિત લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્યના સંવેદશનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આંતરરાષ્ટ્રીય સંસ્થાન સ્થપવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ચેન્નાઇ ખાતે આવું સંસ્થાન કાર્યરત છે જેનો રાજ્ય સરકારના અધિકારીઓ અભ્યાસ કરશે અને તે મુજબ ગુજરાતમાં પણ અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ આ સંસ્થાનનું નિર્માણ કરાશે. 
ગણપતભાઇ વસાવાએ કહ્યું હતું કે, સાપને જોતા જ સૌ કોઇના મનમાં ભયની લાગણી પ્રગટે છે. જેથી લોકો તેને મારી નાખે છે. પરંતુ યોગ્ય જાગૃતિ આવશે, તો સાપને મારી નાખવાની ઘટના ઓછી બનશે. તેની સાથે સાપ કરડે તો ભુવા કે અન્ય ધાર્મિક વિધીમાં ન પડતા સામાન્ય લોકોને તબીબી સારવાર લેવી જોઇએ, તે વાત પર પણ ગણપતભાઇએ ભાર મુક્યો હતો. તેમણે સર્પદંશ સંદર્ભે લોકોમાં જનજાગૃતિ કેળવાય તે માટે રાજ્યના વન અધિકારીઓને સક્રિય પ્રયાસ કરવા પણ ભાર પૂર્વક અનુરોધ કર્યો હતો. 
 
પર્યાવરણની જાળવણી નહિ કરીએ તો શું પરિણામ આવશે તેનો ઉલ્લલેખ કરતાં વન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં વર્ષ- ૨૦૦૪માં વન બહારના ૨૫ કરોડ વૃક્ષો હતા, આજે આ વૃક્ષોની સંખ્યા ૩૫ કરોડથી વધુને આંબી ગઇ છે જે માત્રને માત્ર રાજ્ય સરકારના હકારાત્મક પ્રયાસો અને જનભાગીદારીના પરિણામે શક્ય બન્યું છે. રાજ્યમાં ભૂતકાળમાં ૧૮ સિંહો થઇ ગયા હતા પણ વન વિભાગની મહેનતની ફલશ્રૃતિ રૂપે આજે રાજયમાં સિંહોની સંખ્યા ૬૫૦ કરતાં વઘારે છે. 
 
છેલ્લે આવેલી મહાબિમારીના કારણે ૨૪ જેટલા સિંહોના મૃત્યૃ થયા હતા. બાકીનાને આબદ રીતે આ મહાબિમારીમાંથી બચાવી લેવામાં આવ્યા છે. વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સિંહોના સંવર્ઘન માટે રૂપિયા ૩૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સિંહો કયાં ફરે છે, તેની જાણકારી માટે સરકાર દ્વારા જર્મનીથી રેડિયો કોલર મંગાવવામાં આવ્યા છે.
 
ગણપતભાઇ વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં દિપડાઓ, રીંછો અને મગરની સંખ્યામાં પણ સારો વધારો થયો છે. તેની સાથે સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રીશ્રી દ્વારા વ્હેલ માછલી થકી માછીમારોની જાળ તૂટી જાય તો માછીમારોને જાળ પેટે ૨૫ હજાર રૂપિયા આપવાની યોજના અમલી બનાવતા રાજયમાં ૭૫૦ જેટલી વ્હેલ માછલીના જીવ બચી ગયા છે. તે ઉપરાંત ઉત્તરાયણના પર્વમાં કરૂણા અભિયાન થકી અનેક પક્ષીઓના જીવ બચ્યાં છે. આગામી સમયમાં કેવડિયા ખાતે વર્લ્ડ કલાસ કક્ષાનો સફારી પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે. જેના પ્રથમ તબક્કાનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. 
ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પ્રકારનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના મુખ્ય વન સંરક્ષક ડૉ. ડી.કે. શર્માએ જણાવ્યું હતું કે, સાપ એ પ્રકૃતિની ખોરાક ચેઇનનો એક મહત્વનો ભાગ છે. તેમજ સાપએ ખેતરોમાના ઉંદર અને અન્ય જીવજંતુ ખાઇ જઇ ખેડૂતોના મિત્રની ઉમદા ભૂમિકા અદા કરે છે. વિશ્વમાં જોવા મળતી સાપોની જાતિમાં માત્ર ૩૫૦ સાપની જાતિ જ ઝેરી છે. સાપ કરડવાની વિશ્વમાં ૫૦ લાખ જેટલા કિસ્સા બને છે. જેમાંથી ૭૦ ટકા જેટલા કેસો એશિયા ખંડમાં બને છે. જે અંતર્ગત એક વર્ષમાં ભારત દેશમાં ૧૨ હજાર જેટલા લોકોના મૃત્યૃ સર્પદંશ ની ઘટનાથી થાય છે. જેથી આવા સપર્દશના કેસોમાં જાગૃત્તિ આવે તે ખૂબ જ જરૂરી છે.
 
આ વર્કશોપમાં સર્પદંશથી ૧૪ હજારથી વઘુ લોકોના જીવ બચાવનાર ડૉ. ડી.સી.પટેલે સર્પ દંશની જાગૃત્તિ અને સારંવાર ઉપર પોતાની આગવી શૈલીમાં માહિતી આપી હતી. સર્પ દંશની સારવાર અને શિક્ષણ સંસ્થાન, મુંબઇના અધ્યક્ષા સુશ્રી પ્રિયંકા કદમે ’લોક સમર્થનની સામુદાયિક પ્રવૃત્તિ અને સર્પદંશ શમન’ પર, જી.આઇ.એસ.ના મદદનીશ વન સંરક્ષક નર્મતા ઇટાલીયને સર્પ બચાવવાના અનુભવોની પર અને સ્નેક લવર્સ કલબ, ગાંધીનગરના ઘર્મેન્દ્રભાઇ ત્રિવેદીએ ’ અજબ દુનિયાનો ગજબ જીવ’  વિષય પર રસપ્રદ માહિતી આપી હતી. વાઇલ્ડલાઇફ જીનોમિક્સ રીસર્ચ પ્રોજેક્ટની ટીમ દ્વારા પ્રેઝેન્ટેશન અને ’શવ બોલતે નહી’ અને ’ સર્પદંશ મૃત્ય નથી’ ની ટુંકી ફિલ્મ પણ વર્કશોપમાં રજૂ કરવામાં આવી હતી.