સાબરમતી આશ્રમ સંકલ્પ થી સિદ્ધિનું તીર્થ છે: અક્ષરશ વાંચો પીએમ મોદીનો સંદેશ

modi
Last Modified ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (13:25 IST)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ.બાપુની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પાજંલિ અર્પી ભાવાંજલિ અર્પી હતી. રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અવસરે પૂજ્ય બાપુને ભાવાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્રમ સ્થિત મગન નિવાસ તેમજ હદયકુંજની મુલાકાત લીઘી હતી. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજય બાપુના જીવનને આવરી લેતા “મારું જીવન એ જ મારો સંદેશ ” પુસ્તકનું વિમોચન કર્યું હતું.

સુરક્ષા ટ્રસ્ટને શાળાના વિઘાર્થીઓ દ્વારા પૂજય બાપુને ઉદ્દેશીને લખાયેલા પોસ્ટકાર્ડનું પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિહાળ્યું હતું. ટ્રસ્ટ તરફથી વિઘાર્થી દ્વારા પૂજય બાપુને ઉદ્દેશીને લખાયેલ પોસ્ટકાર્ડ વડાપ્રધાનને અર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત પોથીમાં નોઘેલા સંદેશામાં જણાવ્યું કે, સાબરમતી આશ્રમ સંકલ્પ થી સિઘ્ઘિનું તીર્થ છે. પૂજય બાપુએ અહીં સંકલ્પ કર્યો હતો કે, જયાં સુઘી દેશ આઝાદ નહિ થાય, ત્યાં સુઘી તેઓ આશ્રમમાં પાછા ફરશે નહિ, આશ્રમે આ સંકલ્પને સિઘ્ઘ થતાં જોયો છે.
modi in gujarat
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઇએ જણાવ્યું કે, ગુજરાત સરકારના સહયોગથી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે સંલગ્ન રહીને અહિંસા શીખીએ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યના ૧૪ જિલ્લાઓની ૩૦૦ પ્રાથમિક શાળાના ૩૦ હજાર જેટલા વિઘાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.

ગાંધી આશ્રમ સંચાલિત પી.ટી.સી કોલેજ અને વિનય મંદિર માઘ્યમિક શાળાની વિઘાર્થીનીઓ દ્વારા પૂજય બાપુના પ્રિય ભજન વૈષ્ણવ જન રે.... અને રઘુપતિ રાઘવ.... ભજનનું ગાન કરવામાં આવ્યું હતું.
modi in gujarat
આશ્રમની મુલાકાત પોથીમાં વડાપ્રધાને નોધેલ સંદેશો અક્ષરશ:
નીચે મુજબ છે.
સાબરમતી આશ્રમ છે. પૂજ્ય બાપુએ અહીં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય, ત્યાં સુધી તેઓ આશ્રમમાં પાછા ફરશે નહીં, આશ્રમે આ સંકલ્પ સિદ્ધ થતા જોયો છે.

આજે મને આ વાતનો સંતોષ છે કે ગાંધીજીની ૧૫૦ મી જયંતીના પ્રસંગે, તેઓના સ્વપ્નો પૈકીના એક સ્વચ્છ ભારત ની સિદ્ધિનો સાક્ષી પણ આ આશ્રમ બની રહ્યો છે. હું મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું કે, ખુલ્લામાં શૌચમુક્ત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ થવાના પ્રસંગે હું અહીં મોજુદ છું.

સ્વતંત્રતા આંદોલનમાં બાપુની પાછળ ચાલવાનો અવસર ભલે આપણને ના મળ્યો હોય, પરંતુ તેઓના ચીંધેલા માર્ગે ચાલવુ એ આપણું કર્તવ્ય છે. તેઓએ દેશને જનભાગીદારીનો જે મંત્ર આપેલ હતો તે દેશના ખૂણે ખૂણે પહોંચી ગયેલ છે. જનભાગીદારીની આ શક્તિએ આપણને ઝડપથી અસાધ્ય લક્ષ્યો પામવા માટે અચૂક ઉપાયો આપેલા છે.
આપણું પ્રત્યેક ડગલું બાપુના રસ્તે ચાલે, આપણે તેઓના જોયેલા સ્વપ્નોને જીવી શકીએ, એને પુરા કરી શકીએ, આપણી નાની- નાની શક્તિઓ દેશના મહાન સંકલ્પોનું સામર્થ્ય બને, આપણા વિચારોમાં દેશ હોય, દેશ હિત હોય અને એ જ આપણને અનંતકાળ સુધી દિશાનિર્દેશ કરે, એ જ આશા અને વિશ્વાસ સાથે,
નરેન્દ્ર મોદી
૨-૧૦-૨૦૧૯


આ પણ વાંચો :