‘ડ્રીમ ગર્લ્સ’ ફિલ્મની સ્ટાઇલમાં સુરતમાં કોલ સેન્ટરનો અનેક યુવાનો ભોગ બન્યા
હિંદી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ્સ’ની સ્ટાઇલમાં સુરતમાં કોલ સેન્ટર ચલાવીને મહિને લોકો પાસેથી 5થી 7 લાખ રૂપિયા પડાવી લેતા હતા. જ્યારે ઉત્તરપ્રદેશના એક યુવકને માત્ર મેસેજ કરવાનો પગાર રૂપિયા 40થી 50 હજાર આપતા હતા. સુરતમાં ધમધમતા કોલ સેન્ટરને કારણે અમરોલીના યુવકે 5.72 લાખ ગુમાવવા પડ્યા છે. રત્નકલાકારે લાખોની રકમ પોતાના મિત્રો પાસેથી રૂપિયા ઉછીના લઈને ચીટર ટોળકીને આપી હતી. શરૂઆતમાં એક મેસેજ રત્નકલાકાર પર આવ્યો તે નંબરના આધારે કોલ કર્યો તો સામેથી એક વ્યક્તિએ યુવતી સાથે ફ્રેન્ડશીપની વાતો કરીને રજિસ્ટ્રેશન-મેમ્બરશીપ તેમજ હોટેલમાં મીટિંગ બુકિંગના નામે લાખોની રકમ પડાવી હતી. ભોગ બનેલા યુવક સાથે પહેલા રાધિકા મહેતા નામથી એક યુવતીએ વાત કરી હતી. રાધિકા મહેતાએ જાણે પોતાનો પ્રેમી હોય તેવી રીતે રત્નકલાકારને તેમની મીઠી-મીઠી અનેવાતો કરીને જાળમાં ફસાવ્યો હતો. યુવકોને લાલચ બતાવીને ફસાવવાનું કામ કરતી હતી. યુવતીએ ફોન પર ઈમોનશલ બ્લેકમેલિંગ કરીને રત્નકલાકાર યુવકને કહ્યું હતું કે, ‘મારે તમારી સાથે જ મીટિંગ કરવી છે. તમને જ મળવું છે, બીજા કોઈને મળવું નથી.’ એટલું જ નહીં, યુવતી એવું પણ કહેતી હતી કે, ‘તું અત્યારે રૂપિયા ભરી દે બાદમાં તને બધા રૂપિયા રિટર્ન મળી જશે અને રૂપિયા જમા કરાવીશ તો જ હું તારી પાસે આવી શકું.’ આવી રીતે ઠગ ટોળકી રત્નકલાકાર પાસેથી રૂપિયા ખંખેરતા રહ્યા હતા. વેસુમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પાછળ યુનિયન હાઇટ્સમાં 11મા માળે ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર જાણે કોર્પોરેટર સેક્ટરની ઓફિસ હોય અત્યાધુનિક સુવિધાવાળી ઓફિસનું મહિનાનું ભાડું જ 1.30 લાખ આપતા હતા. પોલીસે રેઇડ પાડી ત્યારે 25ના સ્ટાફમાંથી 3થી 4 જણા ગેરહાજર હતા. જેઓ ફરાર છે.