ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (08:57 IST)

કોરોનાના કેસ વધતાં હવે ખોડલ પાટોત્સવ વર્ચ્યુલ યોજાશે, શનિવારે થશે સત્તાવાર જાહેરાત

કોરોનાએ પોતાને ફરી એકવાર પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના કેસ ૩ હજારને પાર થઇ ગયા છે. જેના લીધે રાજ્યમાં યોજાનારા મોટા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે.
 
કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો રદ્દ કરવાની જાહેરાત કરી છે. ત્યારે હાલમાં પ્રાપ્ત થઇ રહેલી માહિતી અનુસાર ખોડલ પાટોત્સવ વર્ચ્યુલ યોજવામાં આવશે.
 
લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડના ખોડલધામ મંદિરમા મા ખોડલની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે ખોડલધામમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
 
ગુરૂવારે ખોડલધામના  ટ્રસ્ટીએ આ કાર્યક્રમ વર્ચ્યુલ રાખવાની જાહેરાત કર્યા બાદ પત્રિકા વાયરલ થઈ હતી. એ પછી જાહેરાત કરાઈ છે કે, ખોડલધામના કાર્યક્રમ અંગેનો સત્તાવાર નિર્ણય શનિવારે જાહેર કરાશે. શુક્રવારે ખોડલધામના ટ્રસ્ટી મંડળની બેઠક મળશે અને શનિવારે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં 21 જાન્યુઆરીએ પાટોત્સવ મહોત્સવ યોજવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. શનિવારે પત્રકાર પરિષદ કરીને ખોડલધામ પાટોત્સવ મહોત્સવ યોજવો કે નહીં તે અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.
 
ખોડલધામના સૂત્રોએ જણાવ્યું છે કે, શુક્રવારે કાલે ખોડલધામમાં ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી બપોરે પાટોત્સવના નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવશે. આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. 
 
કોરોનાની નવી ગાઈડલાઈનના કારણે વર્ચ્યુઅલ પાટોત્સવનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના પણ છે. એક ટ્રસ્ટીએ આ પ્રકારની જાહેરાત પણ કરી દીધી હતી પણ હવે કોર કમિટીન બેઠક બોલાવાઈ છે. શનિવારે બપોરે બેઠક બાદ પાટોત્સવ અંગે અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે.