1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (16:37 IST)

આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીનો ઓડિયો વાયરલ, કેવડિયા બંધનુ એલાન

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીના જોઈન્ટ સીઈઓ અને નાયબ કલેક્ટર નીલેશ દુબેની આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીનો ઓડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. જેના પગલે આદિવાસી સમાજમાં રોષ ફેલાતા આજે કેવડિયા બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેએ CISFના અધિકારી સાથે વાતો કરીને આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતી ઓડિયો ક્લિપ વાયરલ થતા આદિવાસી સમાજ રોષે ભરાયો છે અને આદિવાસી સમાજ વિશે આવી ટિપ્પણી બાબતે ભાજપે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન આપી અધિકારી સામે પગલા ભરવાની માંગ કરી હતી. જ્યારે કોંગ્રેસ, બીટીપી અને કેવડિયા આંદોલન સમિતિ દ્વારા કેવડિયા બંધનુ એલાન આપવામાં આવ્યુ છે.
 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાની આગેવાનીમાં કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના કાર્યકરોએ રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેના પૂતળાનું દહન કર્યું હતું. હરેશ વસાવાએ જણાવ્યું હતું કે નિલેશ દુબેએ આખા આદિવાસી સમાજનું અપમાન કર્યું છે, તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કામ કરતા આદિવાસી સમાજના કર્મચારીઓને પણ હેરાન કરે છે.સરકાર નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધે અને નિલેશ દુબે આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગે, સરકાર દુબેને જેલમાં ધકેલો એવી અમારી માંગ છે.જાે સરકાર નિલેશ દુબે વિરુદ્ધ કાર્યવાહી નહિ કરે તો અમે સમજીશું કે નિલેશ દુબે આદિવાસી વિરુદ્ધ સરકારની જ ભાષા બોલે છે. જો કડક કાર્યવાહી નહિ થાય તો આખા ગુજરાતમાં અમે જલદ આંદોલન કરીશું.
 
યુથ કોંગ્રેસ દ્વારા રાજપીપળાના સફેદ ટાવર ખાતે નિલેશ દુબેના પૂતળાનુ દહન કરવામાં આવ્યુ હતુ અને આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવતા અધિકારી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માંગ કરી હતી અને ભાજપ સરકાર આવા અધિકારીઓ સામે પગલાં ભરે તેવી માંગણી પણ કરી હતી. સ્ટેચ્યુ ઑફ યુનિટી સહિતના પ્રોજેક્ટો પર કામ કરતા તમામ આદિવાસી કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરશે.
 
નિલેશ દુબેએ જણાવ્યું હતું કે અધુરો ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે, પૂરેપૂરો ઓડીયો બહાર આવે તો સત્યતા સામે આવે.મારી ભાવના કોઈ એક જાતિ માટે ન્હોતી કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું.કેટલાક વિધ્નસંતોષીઓ સમાજને ગેરમાર્ગે દોરવા એડિટ કરેલ ઓડિયો વાયરલ કરી રહ્યાં છે.