ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અંબાજી: , મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (12:00 IST)

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે જામ્યો ભાદરવી પૂનમનો મેળો, ગુંજ્યો બોલ માડી અંબે ‘જય જય અંબે’નો નાદ

જગવિખ્યાત અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મહામેળા શરૂ થઇ ગયો છે. ત્યારે ભાદરવી પૂનમના રોજ મા અંબાના દર્શનાર્થે અને પૂનમના મેળાની મજા માણવા રાજ્યના ખુણેખુણાથી લોકો પગપાળા અંબાજી પહોંચી રહ્યાં છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં ઠેર ઠેર સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. તેમ છતાં ભક્તોમાં મા અંબાના દર્શન કરવા માટે અંબાજી મંદિર પહોંચી રહ્યાં છે. રવિવારથી શરૂ થયેલો અંબાજી મંદિરના મેળાને લઈને અંબાજીને જોડતા તમામ માર્ગો ‘બોલ માડી અંબે જય જય અંબે”ના નાદે ગુંજી ઉઠ્યા છે.
પહેલા દિવસે જ લાખો ભાવિક ભક્તો મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તોનો ઉમટી રહ્યાં છે. આજે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છે. મેળાના બે દિવસમાં મંદિરમાં 5 લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. તેમજ બે દિવસમાં મંદિરને દાન ભેટની 1.42 કરોડ રૂપિયાની આવક થઈ છે.
બીજા દિવસની મેળાની પ્રાપ્ત વિગતો અનુસાર ભાદરવી પૂનમના મેળામાં અંબાજી મંદિરની કુલ આવક 81 લાખ 70 હજાર 900 થઇ હતી. જ્યારે મંદિરના શિખરે 292 ધજાઓ ચઢાવવામાં આવી હતી. તો બીજી તરફ 36,071 ભાવી ભક્તોએ મા અંબાના દરબારમાં ભોજન રૂપી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ ઉપરાંત 5,72,750 પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. 
એસ.ટી. નિગમના સચિવે જણાવ્યું હતું કે, આ મહામેળામાં યાત્રાળુઓને યોગ્‍ય સુવિધા મળી રહે તે હેતુથી એસ.ટી. નિગમ દ્વારા એકસ્‍ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્‍યું છે. જેમાં તા. 8મી સપ્‍ટેમ્‍બરના રોજ પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા 1296 ટ્રીપના આયોજન થકી નિગમને એક જ દિવસમાં રૂા. 28,05,815ની આવક થઇ છે. વધુમાં કુલ 349 વાહનો દ્વારા 44,686 યાત્રાળુઓએ લાભ લીધો છે. આ દરમિયાન એસ.ટી. નિગમની બસો દ્વારા 1,02,730 કિમીનું અંતર કાપવામાં આવ્‍યું હતું.