1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: જૂનાગઢ, , મંગળવાર, 23 એપ્રિલ 2024 (16:15 IST)

BJPમાં આવેલા ભૂપત ભાયાણીનો બફાટ, રાહુલ ગાંધી ‘નપુંસક’ અને મોદીજી સિંહ છે

Rajkot seat candidate, Purushottam Rupala, Kshatriya community created controversy, former MLA Bhupat Bhayani
Rajkot seat candidate, Purushottam Rupala, Kshatriya community created controversy, former MLA Bhupat Bhayani
રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ હજી શાંત નથી થયો ત્યાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ બફાટ કર્યો છે. તેમણે એક નિવેદનમાં રાહુલ ગાંધીને નપુંસક અને મોદીને સિંહ ગણાવ્યા છે. આ નિવેદન બાદ તેમણે કહ્યું હતું કે, દેશમાં વાણી સ્વાતંત્ર્ય છે અને આ ચૂંટણીલક્ષી વાત હતી. નિવેદન બાદ માફી માંગતાં કહ્યું હતું કે, કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું.
 
કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું
જૂનાગઢના વિસાવદરમાં સોમવારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત વિસાવદરના AAPના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા ભૂપત ભાયાણીએ કાર્યકર્તાઓને સંબોધતાં બફાટ કરતાં કહ્યું હતું કે 'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'.સમજી શકેને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે બધા. કારણ કે, બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી. ત્યાર બાદ તેમણે ફરવી તોળતા કહ્યું હતું કે, મારો કહેવાનો આશય એ હતો કે, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સરખામણી ન થઈ શકે. વાણીની સ્વતંત્રતા છે.બાકી તો કોઈ આશય નહોતો. ભાયાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું. અમે અમારી વાત જનતા સમક્ષ મૂકી છે. આ મારું વ્યકિતગત નિવેદન હતું, પાર્ટીનું નથી.
 
જૂનાગઢ કોંગ્રેસે ભાયાણીના નિવેદનને વખોડ્યું
ભૂપત ભાયાણીના નિવેદન મામલે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે, ગઈકાલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી દ્વારા અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પર જે ટીપ્પણી કરવામાં આવી તેને સખત શબ્દોમાં વખોડું છું. જાહેર જીવનનો કોઈપણ માણસ કોઈપણ પાર્ટીનો હોય તેનો પહેલો ગુણ હોવો જોઈએ વાણી પર સંયમ રાખવો. તમારી વાણી તમારા ઘડતરનું સર્ટિફિકેટ આપે છે કે, તમે કયા વાતાવરણમાં ઉછર્યા છો. આ પહેલી વખત નથી થયું તળિયાથી લઈ અને ટોપ સુધીના ભાજપના નેતાઓ ભૂતકાળમાં પણ અસભ્ય ટિપ્પણી કરી ચૂક્યા છે. કોઈની અસભ્ય ટિપ્પણી કરવાથી એ વ્યક્તિ ખરાબ નથી થતો. પરંતુ તમારું મોઢું ગંદુ થાય અને તમારું ચારિત્ર્ય તમે ઉજાગર કરો છો.