શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2022 (09:58 IST)

ભાજપે અપક્ષ ચૂંટણી લડી રહેલાં પોતાના 7 નેતાઓને સસ્પેન્ડ કર્યાં

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે રવિવારે એક સાથે પોતાના સાત નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર સામે નારાજગી દર્શાવી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા આ તમામને પાર્ટીએ અનિશ્ચિત મુદ્દત સુધી બરતરફ કર્યા છે. આ 7 નેતાઓમાં ભાજપના પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વસાવા, ભૂતપૂર્વ MLA અરવિંદ લાડાણીનો સમાવેશ થાય છે.

અગાઉ પાર્ટી તરફથી આ તમામ વિદ્રોહીઓને સંદેશ મોકલાયો હતો કે તેઓ સમજીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લે, અન્યથા પાર્ટી તરફથી શિસ્તભંગ વિરોધી પગલાંનો સામનો કરવા તૈયાર રહે. આ દરમિયાન અમુક આવાં નેતાઓએ પોતાની ઉમેદવારી પરત કરી હતી, પરંતુ આ સાત બેઠકો પર અપક્ષ ઉમેદવારી ખડી રહેતા પાટીલે તેમને સસ્પેન્ડ કર્યાં છે. આ તરફ હજુ વાઘોડીયા બેઠક પરથી કપાયેલા મધુ શ્રીવાસ્તવે અને વડોદરાની પાદરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવા છતાં તેમની સામે કોઇ શિસ્ત વિરોધી પગલાં લેવાયાં નથી.સુરત શહેરની 12 બેઠક પૈકી 3 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલતા શરૂઆતમાં થયેલો વિરોધ હવે શાંત પડ્યો છે. સૌથી વધુ બબાલ ચોર્યાસી વિધાનસભામાં સિટીંગ ધારાસભ્ય ઝંખના પટેલની ટિકીટ કપાતા થઇ હતી. જો કે, મોડેમોડે ભાજપ ડ્રેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી છે. ત્રણેય બેઠકના સિટીંગ ધારાસભ્યો હવે ઉમેદવારો સાથે પ્રચાર-પ્રસાર તથા સભાઓમાં સામલે થયા હતા. કામરેજના સિટીંગ ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયા, ઉધનાના ધારાસભ્ય વિવેક પટેલ અને ચોર્યાસીના ધજારાસભ્ય ઝંખના પટેલની ટિકીટ કપાઇ હતી. કામરેજમાં પ્રફુલ્લ પાનસેરિયાને ટિકીટ આપતા એક સોસાયટીમાં મહિલાઓએ પુતળા દહન કરી વિરોધ કર્યો હતો. જ્યારે ઉધનામાં વિવેક પટેલની ટિકીટ કપાતા કેટલીક સોસાયટીઓમાં ઉમેદવારને બદલવાની માંગ સાથેના પોસ્ટરો લાગ્યા હતા તો ચોર્યાસીમાં ટિકીટ કપાતા ઝંખના પટેલના નારાજ સમર્થકોએ ભાજપ કાર્યલય ખાતે વિરોધ કરવા સાથે ઝંખના પટેલને જ ટિકીટ આપવાની માંગ કરી હતી.