અમદાવાદની બાપુનગર બેઠકના AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટેકો આપવા ફોર્મ પાછું ખેંચ્યું
ગુજરાતમાં ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હવે માત્ર ફોર્મ પાછું ખેંચવા માટેના પ્રયાસો શરૂ થયાં છે. અમદાવાદની બાપુનગર બેઠક પર AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટેકો આપવા ફોર્મ પાછુ ખેંચ્યું છે.શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાન પઠાણનો ભત્રીજો છે તેમજ કોંગ્રેસના મહેઝબિન પઠાણનો પણ સંબંધી થાય છે.
શાહનવાઝ ખાન સસ્તા અનાજની દુકાન ધરાવે છે. પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં સતત રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં વધુમાં વધુ સીટો જીતવા માટે ઓવૈસીએ 'માસ્ટર પ્લાન' બનાવ્યો છે. અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત મહેનત કરી રહી છે. માસ્ટર પ્લાન મુજબ, AIMIM 15 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારી રહી છે, પાર્ટીએ ચૂંટણી માટે 20 લોકોની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે, જે દિવસ-રાત પ્રચારમાં લાગેલી છે.ગુજરાતમાં પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે 17 રેલીઓ કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.