સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2023 (14:06 IST)

Gandhinagar News - ગાંધીનગરના કોબા પાસે કારે એક્ટિવાસવાર પરિવારને ટક્કર મારી, એકનું મોત, સ્થાનિકોએ હાઇવે જામ કર્યો

gandhinagar accident
ગાંધીનગરના કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સવારના સમયે ફોર-વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે બંને સંતાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, જ્યાં 17 વર્ષીય દીકરીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને વાહનોનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો તેમજ કારની સેફ્ટી બેગ પણ ખૂલી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોએ અમદાવાદ-કોબા હાઇવે રોડ પર ચક્કાજામ કરી દેતાં ઈન્ફોસિટી અને અડાલજ પોલીસનો કાફલો દોડી ગયો હતો.ગાંધીનગર કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરી રોડ પર પટકાયાં હતાં, જેમાં પિતાનું ઘટનાસ્થળે જ અકાળે અવસાન થયું છે, જેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દંડક તેજલબેન પારેખના સગા ભાઈ છે.આ અકસ્માતને પગલે સ્થાનિકોએ અમદાવાદ-કોબા હાઇવે ચક્કાજામ કરી દેતાં પોલીસ દોડતી થઇ ગઈ હતી. અકસ્માત કરનાર ફોર-વ્હીલ ગાડીમાં નબીરા બેઠા હતા. ત્યારે બેફામ રીતે કાર ચલાવતા ટોળાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

ભાસ્કરભાઈ પ્રવીણભાઈ પારેખ કોબા ખાતે મહાવીર હિલ્સ ફ્લેટમાં પરિવાર સાથે રહેતા હતા. રાબેતા મુજબ આજે સવારે ભાસ્કરભાઈ કોબાની સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી ઝરણા અને દીકરા જીઆનને સ્કૂલે મૂકવા માટે એક્ટિવા પર નીકળ્યા હતા.આ દરમિયાન કોબા કમલમ કાર્યાલય પાસેનાં રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી ફોર-વ્હીલ ગાડીના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. એને કારણે ભાસ્કરભાઈ અને બંને સંતાન ઊછળીને રોડ પર પટકાયાં હતાં, જેમાં ભાસ્કરભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બંને સંતાનોને ગાંધીનગરની તથાસ્તુ હોસ્પિટલમાં લઈ જવાયાં છે, જ્યાં ઝરણાની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.આ બનાવને પગલે રોષે ભરાયેલા ટોળાએ આક્રોશ વ્યક્ત કરેલો કે અત્રે કોબા કમલમ કાર્યાલય હોવાથી વીવીઆઈપી મૂવમેન્ટ રહેતી હોય છે, જેના કારણે અહીં સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવામાં આવ્યાં નથી. અહીં છાશવારે અકસ્માતો સર્જાતા હોવા છતાં વીવીઆઈપી મૂવમેન્ટને લીધે રોડ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે કારમાં બેઠેલા નબીરાઓની પણ અટકાયત કરી લીધી છે.આ અંગે ઈન્ફોસિટી પીઆઈ એલ ડી ઓડેદરાએ જણાવ્યું હતું કે ગાડીમાં સવાર ત્રણ છોકરાને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યાં છે. આ અકસ્માતમાં ભાસ્કરભાઇનું મોત થયું છે, જ્યારે તેમની દીકરી ઝરણાની હાલત નાજુક છે તેમજ દીકરાને માઈનોર ઈન્જરી થઈ છે.