સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , બુધવાર, 3 જાન્યુઆરી 2024 (15:42 IST)

તેજસ એક્સપ્રેસમાં અપાયેલા નાસ્તામાંથી ઈયળ નીકળતાં રેલવે મંત્રીને ટ્વીટથી ફરિયાદ

makar sankranti
Highlights 

-  રેલવે તંત્રની પ્રિમિયમ ટ્રેનના બ્રેકફાસ્ટમાંથી જીવજંતુ 
-  યુવકે IRCTC અને રેલવે મંત્રીને ટ્વીટના માધ્યમથી ફરિયાદ કરી
-  યુવકના ટ્વીટ બાદ IRCTCએ જવાબ આપ્યો
makar sankranti

 
 3 જાન્યુઆરી 2024, ગુજરાતમાં હોટેલો અને રેસ્ટોરન્ટમાં ખાવાની ચીજોમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ અનેક વખત પ્રકાશમાં આવી છે. મોટા શહેરોમાં આવા અસંખ્યા બનાવો બન્યાં છે. પરંતુ રેલવે તંત્રની પ્રિમિયમ ટ્રેનના બ્રેકફાસ્ટમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાએ મુસાફરોમાં ફફટાડ પેદા કરી દીધો છે. અમદાવાદથી મુંબઇ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યુવકને IRCTC દ્વારા આપવામાં આવેલા ઉપમાના બ્રેકફાસ્ટમાંથી ઇયળ નીકળી હતી. આ મામલે યુવકે IRCTC અને રેલવે મંત્રીને ટ્વીટના માધ્યમથી ફરિયાદ કરી હતી. 

 
યુવકના ટ્વીટ બાદ IRCTCએ જવાબ આપ્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સવારે અમદાવાદના એક યુવકે IRCTC અને રેલવે મંત્રીને ટ્વીટના માધ્યમથી ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, હું તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી ભરૂચ જઈ રહ્યો હતો તે દરમિયાન મને જે નાસ્તો આપવામાં આવ્યો હતો તેમાં જીવજંતુ નીકળ્યું હતું. જો આ આરોગાઈ ગયું હોત તો તેના માટે કોણ જવાબદાર હોત? અડધો નાસ્તો તો મેં કરી લીધો હતો અને ત્યારબાદ મને કંઈ થયું હોત તો તેના માટે જવાબદારી કોની હોત?. આ મામલે શું પગલાં લેવામાં આવશે? યુવકના ટ્વીટ બાદ IRCTCએ જવાબ આપ્યો હતો કે આવા કડવા અનુભવનો અમારો ઇરાદો નહોતો.આવી ઘટના ફરીથી નહીં બને તેના માટે અમે યોગ્ય પગલાં લઈશું અને આ બાબતે આપનો પણ સંપર્ક કરવામાં આવશે.
 
આટલી પ્રીમિયમ ટ્રેન હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી
ફરિયાદ કરનાર પ્રિયેન શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારે તેઓ તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી ભરૂચ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેનમાં તેઓને સવારે બ્રેકફાસ્ટ આપવામાં આવ્યો હતો. તેમાં અડધો ઉપમા ખાધા બાદ તેમાં ઇયળ જોવા મળી હતી. આ બાબતે ત્યાંના હાજર સ્ટાફને જાણ કરતા તેઓએ કહ્યું હતું કે હા અમે આ બાબતને જોવડાવી લઈશું. અમે પગલાં લઈશું, પરંતુ હજી સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે મેં ટ્વીટ કરીને પણ ફરિયાદ કરી છે. છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આટલી પ્રીમિયમ ટ્રેન હોવા છતાં પણ તેમાં બેદરકારી દાખવવામાં આવી છે.
 
મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે
રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને સારું અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે જરૂરી હોય છે. પરંતુ અવારનવાર આવી ફરિયાદો આવતી હોય છે. વંદેભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, શતાબ્દી ટ્રેન સહિતની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરો ઊંચા ભાડા આપીને મુસાફરી કરે છે. મુસાફરો નાસ્તા અને ભોજનના પૈસા પણ ચૂકવે છે છતાં પણ ગુણવત્તાયુક્ત ભોજન ન મળવાની અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે આ મામલે મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.