કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, ગુજરાતના આ શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ
ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધુ 3 કેસ મળી આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા હવે 10 પર પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં ત્રણ, સુરત 1, વડોદરામાં 2, ગાંધીનગર 2, મહેસાણા 1, આણંદમાં 1 નોંધાયા છે. જોકે જામનગરમાં ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસોની સંખ્યામાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે અને તંત્ર એલર્ટ થઇ ગયું છે.
ત્યારે વડોદરા પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 21 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી આ જાહેરનામું લાગૂ રહેશે. કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોના પહેલાં આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર સ્થળો સભા યોજવી નહી, તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાયા છે અને સામે 55 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે પણ કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817874 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10101 નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસો 571 છે જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 567 દર્દીઓ સ્ટેબલ છે.