1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 ઑક્ટોબર 2020 (12:23 IST)

વિકએન્ડમાં પોળો ફોરેસ્ટ જતાં પહેલાં વાંચી લેજો આ સમાચાર, નહીતર નાખવો પડશે નિસાસો

અનલોક 5ની જાહેરાત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. દિવસેને દિવસે કેસમાં વધારો થયો છે. ત્યારે લોકો હવે ઘરની બહાર નિક્ળવા લાગ્યા છે. વિકએંન્ડમાં આસપાસના પ્રવાસનો સ્થળોએ માનવ મહેરાણ ઉમટી રહ્યું છે. ત્યારે અમદાવાદથી થોડા અંતરે આવેલા પોળો ફોરેસ્ટની મુલાકાત કરનાર પ્રવાસીઓનો ધસારો દિવસેને દિવસે વધી રહ્યો છે. 
 
ગુજરાતનું પોલો ફોરેસ્ટ પ્રવાસીઓથી ઊભરાય રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે વિજયનગરના પોલો ફોરેસ્ટમાં હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોના મહામારી વધારે ફેલાય નહીં તે માટે શનિ અને રવિવારના રોજ પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે પ્રતિબંધ કરતો હુકમ જિલ્લા કલેકટરે કર્યો છે.
કલેક્ટર દ્વારા જે આદેશ કર્યો તેમાં કહેવામાં આવ્યું છે કે પોળો ફોરેસ્ટ ખાતે મોટા પ્રમાણમાં રાજ્યભરમાંથી પ્રવાસીઓ મુલાકાતે આવે છે. ખૂબ જ મોટા પ્રમાણમાં જનમેદની ભેગી થવાના કારણે સોશિયલ ડિસ્ટન્સ તથા અન્યય બાબતોનું પાલન થતું ન હોવાથી વ્યાપક ફરિયાદો મળી છે. શનિ અને રવિવારેના દિવસે 20,000થી વધારે પ્રવાસીઓ અહીં આવે છે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે. જેથી વિજયનગર તાલુકામાં આવેલા પોલો ફોરેસ્ટ ખાતે શનિવાર અને રવિવારે બહારના પ્રવાસીઓની મુલાકાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
 
સાબરકાંઠા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સી.જે ચાવડાએ જાહેરનામું બહાર પાડી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 તથા ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ રેગ્યુલેશન 2020 અન્વયે મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે. જેમાં અભાપુર ફોર્સ્ટ નાકાથી વણજ ડેમ અને વણજથી વિજયનગર જતા પ્રથમ 3 રસ્તા સુધીના રોડને પ્રતિબંધિત જાહેર કર્યો છે. જાહેરનામા અનુસાર બહારથી આવતા પ્રવાસીઓ માટે આ રસ્તા પર પ્રવેશબંધી છે. તારીખ 3થી 4 છે. ઓક્ટોબર 10 અને 11 ઓક્ટોબર અને 17 તથા 18 ઓક્ટોબર દરમિયાન રાતના 12 વાગ્યાથી પ્રવેશ બંધી લાગુ થશે.
 
કેમ ખાસ છે પોળો ફોરેસ્ટ
અમદાવાદથી લગભગ 110 કિમીના અંતરે આવેલું આ સ્થળ કુદરતની સુંદરતા અને પ્રકૃતિના ખોળે પાંગર્યું છે. ઇડરથી માંડ 35 કિમીના અંતરે આવેલું છે. ઇડરથી જીપમાં આ સ્થળે જઈ શકાય છે. ભરઉનાળામાં પણ અહીંનું તાપમાન 35 સે. ઉપર જતું નથી. જોકે અહીં કુદરતી હરિયાળી હોવાને કારણે ચોમાસામાં જવાની મજા કંઈક અલગ જ હોય છે. હાલમાં ઈડરમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે આ જગ્યા સૌંદર્યથી ભરપૂર છે. 
 
અહીં ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવે છે. અહીં નાનું ઝરણું પણ છે. મોટાભાગે ચોમાસા સિવાયની ઋતુમાં તે સૂકું હોય છે. અહીં એક જૈન મંદિર, શિવ મંદિર અને એક કૂવો પણ છે. જૈન મંદિર અને શિવ મંદિર પર અદભુત કોતરણી કરવામાં આવેલી છે. હાલમાં આ સ્થળને ગુજરાતના સરંક્ષણ વિભાગ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે આ સ્થળ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અહીં માત્ર પહાડી વિસ્તાર,મંદિર અને ઝરણું નથી. પણ હાર્ણવ નદી અને ડેમ પણ આવેલો છે. આ ડેમની ઊંચાઈ આશરે 40 થી 50 મીટર જેટલી છે.

ફોટો સાભાર: ગુજરાત ટુરિઝમ