નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈએ રાજસ્થાન જતાં શ્રમિકો માટે જમવાની તથા બસની વ્યવસ્થા ગોઠવી
દેશ-દુનિયા અને રાજ્યના માથે કોરોના વાયરસ નામનું સંકટ મંડાયું છે. આ સંકટની ઘડીમાં માનવતા મહેકાવતા અનેક બનાવો સામે આવી રહ્યા છે. દેશભરમાં 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત બાદ ખાસ કરીને ગરીબ અને શ્રમિક વર્ગ પરેશાન છે. જે લોકો નોકરી કે ધંધા માટે હિજરત કરીને અન્ય પ્રદેશ કે રાજ્યમાં જતાં હોય છે તેઓ પરેશાન છે. આવા જ રાજસ્થાની શ્રમિકોની મદદ માટે બુધવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાઇવે પર દોડી ગયા હતા. એટલું જ નહીં તેઓને ભરપેટ જમાડીને બસની વ્યવસ્થા કરીને વતન મોકલ્યા હતા.વડાપ્રધાન મોદીએ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કર્યા બાદ સુરત તેમજ અમદાવાદ જેવા શહેરોમાં રહીને પેટીયું રડતા લોકોએ હિજરત શરૂ કરી દીધી છે. અમદાવાદમાં મોટા સંખ્યામાં રાજસ્થાની લોકો રહે છે. જેઓ અહીં મોટાભાગી લોન્ડ્રી, સ્ક્રેપ, પસ્તી અને રસોઇના કામો સાથે જોડાયેલા હોય છે. લૉકડાઉનની જાહેરાત સાથે જ આ લોકોએ પોતાના વતન ભણી હિજરત શરૂ કરી દીધી છે. વાહન વ્યવહાર બંધ હોવાને કારણે આ લોકો ચાલીને જ વતન પહોંચી રહ્યા છે.બુધવારે ગાંધીનગર ખાતે આવા 700થી વધારે શ્રમિકો ચાલતા પોતાના વતન જઈ રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ વાત ધ્યાનમાં આવતા તેઓ ખુદ હાઇવે પર દોડી ગયા હતા.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ લોકો સાથે વાતચીત કરી હતી અને તેમને પડતી તકલીફો જાણી હતી. જે બાદમાં તેમણે સ્થળ પરથી જ ગૃહમંત્રી પ્રદીપસિંહ તેમજ અન્ય અધિકારીઓને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા.આ ઉપરાંત પગપાળા વતન જઈ રહેલા લોકો માટે નાયબ મુખ્યમંત્રીએ ભોજનની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં આરોગ્ય કર્મીઓની ટીમને બોલાવી શ્રમિકોના સ્વાસ્થ્યની પણ તપાસ કરાવી હતી.