શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (17:46 IST)

વડોદરા જિલ્લામાં 70 હજાર હેક્ટરમાં કપાસના પાકનું વાવેતર, મોટાપાયે નુકસાનને પગલે ખેડૂતોની વળતરની માગ

માવઠાથી ખેતીપાકોને નુકસાન

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા હવામાન ખાતાએ 3 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આગાહીના પગલે વડોદરા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને પગલે કપાસ, તુવેર, દિવેલા જેવા ખેતીવાડી પાક તેમજ શાકભાજી અને ફૂલો જેવા બાગાયતી પાકને મહદઅંશે નુકસાન થયું છે. જો વધારે વરસાદ પડ્યો હોત તો ખેડૂતોને મોટુ નુકસાન થયું હોત. તેમ જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગે જણાવ્યું હતું.
 
બુધવારે સવારથી જ વડોદરા શહેર અને જિલ્લામાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. જે બીજા દિવસ ગુરૂવારે પણ ચાલુ રહ્યો હતો. વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદ સામાન્ય હોવાથી ખેતીના પાકને વધુ નુકસાન થયું નથી. જોકે, કપાસના પાકને નહિવત નુકસાન થયું છે. વડોદરા જિલ્લામાં 70 હજાર હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયેલું છે. જે ખેતરોમાં કપાસના જિંડવા ફાટી ગયા છે. તેવા ખેતરના માલિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. જોકે, ખેડૂતો દ્વારા કમોસમી વરસાદના કારણે કપાસ સહિત તુવેર, દિવેલા જેવા પાકને નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે અને સરકાર પાસે વળતરની અપેક્ષા રાખી રહ્યા છે. 
 
બાગાયત વિભાગના યોગેશભાઇએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં 6થી 7 હજાર હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયેલું છે. જેમાં પાદરા, કરજણ અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં શાકભાજીનું વાવેતર વધુ છે. જોકે, સામાન્ય કમોસમી વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થશે. સામાન્ય વરસાદના કારણે શાકભાજીના પાકમાં નુકસાન ઓછું થયું છે. મેથીની ભાજી, પાલક, મરચી, લીંબી જેવા પાકને સામાન્ય નુકસાન થઇ શકે છે. વડોદરા જિલ્લામાં પાદરા, કરજણ પંથકમાં 1500 હેક્ટરમાં ફૂલોની ખેતી થાય છે. સામાન્ય કમોસમી વરસાદને કારણે ફૂલોની ખેતીને નુકસાન થયું નથી. જો વધુ વરસાદ પડ્યો હોત તો મોટું નુકસાન થયું હોત. 
 
ડભોઇ પંથકમાં પણ ઝરમર વરસાદ વરસાદ ચાલુ રહેવાના કારણે ખેતરોમાં પડેલા ડાંગરને નુકસાનની ભીતિ વર્તાઇ રહી છે. જ્યારે હાલ શિયાળાની ઋતુમાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં થતુ હોવાથી વરસાદને કારણે શાકભાજી, કપાસ અને તુવેરમાં પણ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. જો વડોદરા જિલ્લામાં એકથી વધુ ઇંચ વરસાદ પડ્યો હોત તો ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હોત. પરંતુ, સામાન્ય વરસાદના કારણે ખેડૂતોને ઓછું નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઓછું ઉત્પાદન મળશે.