1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 9 જુલાઈ 2024 (15:57 IST)

અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજના ખંડેર રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતહેદ મળ્યો

શહેરમાં એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષના વિદ્યાર્થીનો કોલેજના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની તપાસમાં મૃતક વિદ્યાર્થીના ગળા અને હાથ પર બ્લેડ માર્યાનાં નિશાન મળ્યાં છે. પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
 
હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉર્વીન નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતાં. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો. મૃતકનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ જોયો ત્યારે શંકા ગઈ હતી. આથી રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી.
 
મૃતક વિદ્યાર્થી માંડવીના ગોકુળવાસનો રહેવાસી છે
ગુજરાત યુનિવર્સિટી પોલીસે બનાવના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકે જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે. મૃતકની એક જુલાઈએ પરીક્ષા હતી. જેમાં મૃતક મોબાઈલ સાથે ઝડપાયો હતો. જેથી ભવિષ્ય અંગે ડર લાગતા મૃતકે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક વિદ્યાર્થી માંડવીના ગોકુળવાસનો રહેવાસી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.