શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અમદાવાદ , બુધવાર, 17 જુલાઈ 2024 (18:46 IST)

અમદાવાદની યુવતીનો આક્ષેપ, મારી ફરિયાદ ના લીધી અને બેસાડી રાખી, પોલીસે સ્પષ્ટતા કરી

sarkhej news
  શહેરમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર બે દિવસ અગાઉ રાત્રના સમયે એક યુવતીએ વકીલની ગાડીને ટક્કર મારી હતી. જેમાં વકીલની ગાડીને નુકસાન થયું હતું. ત્યાર બાદ યુવતી અને વકીલ વચ્ચે થોડી રકઝક થઈ હતી. આ મુદ્દે વકીલે યુવતી સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ યુવતીએ તેની ફરિયાદ નહીં લેવામાં આવી હોવાનો પોલીસ સામે આક્ષેપ કર્યો છે. યુવતીએ એવો આક્ષેપ કર્યો છે કે, વકીલે તેની સાથે ખરાબ વર્તન કર્યું છે અને તેની પર હાથ પણ ઉપાડ્યો છે. યુવતીનું કહેવું છે કે, તે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ હતી પણ તેની ફરિયાદ નહીં નોંધીને તેને કહેવામાં આવ્યું હતું કે, રાતના સમયે બહાર ના નીકળવું જોઈએ. 
 
યુવતીએ વકીલની ગાડીને ટક્કર મારી હતી
ગત 14મી જુલાઈએ રાતના સમયે સરખેજ ગાંધીનગર હાઈવે પર સિદ્ધરાજસિંહ મકવાણા નામના વકીલ તેમના પરિવાર સાથે ગાડી લઈને જઈ રહ્યાં હતાં. આ સમયે આયેશા ગલેરિયા નામની યુવતીએ સિદ્ધરાજસિંહની ગાડીને ટક્કર મારી હતી.ત્યારબાદ યુવતીએ ગાડી આગળ લઈ જઈને ઉભી રાખી હતી અને વકીલ સિદ્ધરાજસિંહ મકવાણાની ગાડી પણ ઊભી રખાવી હતી.વકીલે ગાડીમાંથી બહાર આવીને જોતા તેમની ગાડીને નુકસાન થયું હતું.અકસ્માત કરનાર આયેશા ગેલેરીયા વકીલ સિદ્ધરાજસિંહ મકવાણા સાથે બોલાચાલી કરવા લાગી હતી. જેથી વકીલે પોલીસને જાણ કરી હતી. વકીલે યુવતી સામે એસ.જી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 
યુવતીએ એક વીડિયો બનાવી આક્ષેપ કર્યો
આ મામલે યુવતીએ એક વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે મારું નામ આયેશ ગેલેરીયા છે. મારી સાથે એક બનાવ બન્યો છે જેમાં એક વ્યકિતએ મારી ગાડીને અથડાવી આગળ જતાં હતાં ત્યારે મેં તેમને રોક્યા હતા, ત્યારે તે ભાઈ મને ગાળો આપવા લાગ્યા હતા. જેથી મે મારા ભાઈ અને પોલીસને ફોન કર્યો હતો. હું ગાડીમાં લોક કરીને બેઠી હતી તે સમયે તે વ્યકિત મારી ગાડીને જોરજોરથી ખખડાવવા લાગ્યા હતા. આ વ્યક્તિ મારી સાથે અશોભનીય શબ્દો બોલી રહ્યા હતા. પોલીસ આવી ત્યારે મે પોલીસને જાણ કરી. આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તેવું કહ્યું હતું છતાં પોલીસે કોઈ પગલાં લીધા નહોતા. સરખેજ પોલીસ મારી વાત સાંભળવા તૈયાર નહોતી. મારી વાત સાંભળવા પણ તૈયાર નહોતા. હું વિનંતિ કરી રહી હતી ત્યારે પોલીસ વાળાએ કહ્યું કે સેફ ના હોવ તો અડધી રાતે બહાર ના નીકળો. 
 
યુવતી ફરિયાદ કરવા ઈચ્છે તો પોલીસ ફરિયાદ નોંધશે
આ અંગે એસીપી (એમ.ડિવિઝન) એ.બી વાળંદે જણાવ્યું હતું કે, YMCA ક્લબ પાસે રાત્રે 8.30 વાગ્યે ગાડી અથડાતા વકીલ અને બેન વચ્ચે રકઝક થઈ હતી. જેથી બંને સરખેજ પોલીસ સ્ટેશન આવ્યા હતા.યુવતીએ પોતાના પરિચિતને બોલાવ્યા હતા. ત્યારબાદ વધુ રકઝક કરી હતી.યુવતીની અરજી લેવામાં આવી છે.યુવતીના ફરિયાદનો ડ્રાફ્ટ રજીસ્ટર છે જેમાં યુવતીએ સહી કરી નથી. યુવતી ફરિયાદ કરવા ઈચ્છે તો પોલીસ ફરિયાદ નોંધશે.