રેમડેસિવિર કાળાબજારી કૌભાંડ : વડોદરામાં વૉટ્સઍપ ઑડિયો મૅસેજથી ડૉક્ટર અને નર્સ પકડાયા
વડોદરા પોલીસ દ્વારા ડૉક્ટર સહિત બે શખ્સની રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના આરોપમાં ધરપકડ કરી છે. રેમડેસિવિરનો ઉપયોગ કોરોના સંક્રમિત દર્દીઓને સારવારમાં થાય છે અને રાજ્યભરમાં તે મેળવવા માટે લાઇનો લાગી રહી છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે શનિવારે બંને શખ્સોને બે અલગ-અલગ ટ્રેપમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.
અહેવાલ પ્રમાણે પોલીસનું કહેવું છે કે વૉટ્સઍપ ઑડિયો મૅસેજ દ્વારા તેમને ટિપ મળી હતી કે રેમડેસિવિર ઇન્જેક્શન ખોટી રીતે વેચાય છે.
પહેલી ટ્રેપમાં ખોડિયારનગરથી પકડાયેલા આરોપી દ્વારા રેમડેસિવિર 7,500 રૂપિયામાં વેચાતા હોવાનું જાણવા મળ્યું, જેની મહત્તમ કિંમત 2,500 નક્કી કરાઈ છે. આરોપી તબીબ હોવાનું પોલીસ જણાવે છે. જ્યારે અન્ય ટ્રેપમાં કોવિડ ડેઝિગ્નેટૅડ મેડિકલ કૉલેજમાં કામ કરતા પુરુષ નર્સની ધરપકડ કરાઈ છે, જે રેમડેસિવિર નવ હજારમાં વેચતા હોવાની બાતમી પોલીસને મળી હતી.
બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે.