શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 જાન્યુઆરી 2022 (15:02 IST)

દ્વારકા જતા ભક્તો માટે મોટા સમાચાર, હવે મંદિરમાં આટલી જ સંખ્યામાં અપાશે પ્રવેશ

કોરોના સંક્રમણને અટકાવવા અંગે સમગ્ર રાજ્યમાં મુકવામાં આવેલ નિયંત્રણોની સમય મર્યાદામાં કેટલાક ફેરફારો સાથે તા. 22 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે. જેને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ સમગ્ર જિલ્લામાં કેટલાક પ્રતિબંધ જાહેર કરતું સુધારા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. આ જાહેરનામાં અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિ, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારોહ તેમજ ધાર્મિક સ્થળો તથા લગ્ન પ્રસંગએ ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ તમામ પ્રસંગોએ કોરોના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓ આખરી રહેશે અને તેનો અમલ તારીખ 22 જાન્યુઆરી સુધી કરવાનો રહેશે
 
આ ગાઈડલાઈનને જોતા દ્વારકા મંદિરમાં પણ ભક્તોએ કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવું પડશે. દ્વારકાધીશને ધ્વજારોહણ કરવા આવતા ભક્તોને 20 ની સંખ્યામાં જ મંદિરમાં પ્રવેશ અપાશે. શનિવારથી આ નિયમોનું પાલન કરવામાં આવશે. જો કે આ નિર્ણયથી ભક્તોમાં કચવાટ શરૂ થયો છે. દ્વારકાધીશના મંદિરમાં દરરોજ યાત્રીકોની ભારે ભીડ રહેતી હોય છે. જેને લઇ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી તરફ 20 લોકોને ધ્વજા ચડાવવા જવાની મંજૂરી મળશે.
 
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના સતત વધારે કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન કોરોનાના નવા 52 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં ગુરુવારે દ્વારકા તાલુકાના 16, ભાણવડ તાલુકાના 9 અને ખંભાળિયા તાલુકાના 3 મળી કુલ 28 દર્દીઓ, જ્યારે ગઈકાલે શુક્રવારે ખંભાળિયા અને ભાણવડના 8-8, દ્વારકાના 5 અને કલ્યાણપુરમાં 3 નવા કેસ મળી, 24 દર્દીઓ એક દિવસમાં નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ વધારી, ગુરુવારે 1543 અને શુક્રવારે 1282 કોવિડ ટેસ્ટ કરાયા હતા. આ વચ્ચે ગુરુવારે 10 અને ગઇકાલે શુક્રવારે 11 મળી કુલ 21 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.