ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (12:46 IST)

મંત્રીઓની કમલમમાં પાઠશાળા, પ્રજા વચ્ચે જવા માટે દરેક મંત્રીઓને આદેશ

ગુજરાતમાં નવા ભાજપ પ્રમુખે શરૂ કરેલી કવાયતના ભાગરૂપે મંત્રીઓને કમલમ પર બેસવાની સાથે અઠવાડિયામાં ત્રણ દિવસ ત્રણ–ત્રણ સભાઓ કરીને પ્રજા વચ્ચે જવાનો પણ આદેશ પક્ષ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. જેથી શુક્ર–શનિ અને રવિ એમ ત્રણ દિવસ મુખ્યમંત્રી સહિત 21 મંત્રી, આઠ ચેરમેન, 30 પદાધિકારીઓનો દરેક જિલ્લાના વડામથક પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવો પડશે. રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીઓ અને આગેવાનોને કોરોનાની મહામારી વચ્ચે પ્રજાવચ્ચે જવાના આદેશ આપ્યા છે. આ તમામ મંત્રીઓએ સરકાર દ્રારા કરવામાં આવેલી કામગીરીઓ યોજનાઓ જે તે જિલ્લામાં મહાનગરો–નગરપાલિકામાં કરેલા કામો જાહેર કરીને પ્રજાલક્ષી નિર્ણયો જણાવવા પડશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યાબાદ સી.આર. પાટીલે સૌરાષ્ટ્ર્રનો પ્રવાસ કર્યો તે મંત્રી મંડળના મંત્રીઓને કમલમ પર બેસીને કાર્યકરોના પ્રશ્નો ઉકેલવા આદેશ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે આજે મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ કાર્યકરોની રજૂઆતો સાંભળવાની શરૂઆત કરી હતી. અગાઉ 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા તે વખતે પ્રદેશ પ્રમુખ કાશીરામ રાણા હતા, જેમણે સિનિયર મંત્રીઓને ખાનપુર કાર્યાલયમાં કાર્યકરોને સાંભળવા મંત્રીઓને બેસાડયા હતા. પરંતુ રાજકીય ઉથલપાથલના કારણે આ સિલસિલો બંધ થઇ ગયો હતો. હવે કાશીરામ રાણા ના ઈતિહાસનું પુનરાવર્તન થઈ ગયું છે.ભાજપ કાર્યાલય કમલમમાં કાર્યકરો સરળતાથી પોતાના વિસ્તારના પ્રશ્નો વિવિધ સમસ્યાઓ રજૂ કરી શકશે. જેમાં નિયમિત રીતે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ આવી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કામકાજ હાથ ધરશે. આવતા દિવસોમાં રાજ્યના મંત્રીઓની હાલત એવી થવાની છે કે મંત્રીપદ પર રહીને કાર્યકરોને સાંભળ્યા પછી કેટલાક અઘરા નિર્ણયો લેવા પડશે. મંત્રીઓ કાર્યકરોને મળતા નથી, મંત્રીઓ કામ નથી કરતાં તેવા સંદેશાનું ખંડન કરતા મંત્રીઓને કમલમ બેસાડવામાં આવ્યા છે પરંતુ આંતરિક વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ પાટીલના આ નિર્ણયથી મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મંત્રીઓ માટે એકબાજુ પાટીલ અને બીજીબાજુ વિજયભાઈ રૂપાણી આ બન્ને વચ્ચે કોઈને નારાજ કરવા પાલવે તેવું નથી. આમ મંત્રીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે.