શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (09:40 IST)

અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે પૂર્વ પ્રેમીએ ચાલુ એક્ટિવાની ચાવી કાઢી લેતા યુવતી અને તેની ફ્રેન્ડ પટકાઈ

રિવરફ્રન્ટ પર એક્ટિવા ઉપર જઈ રહેલી 2 કોલેજિયન યુવતીની પૂર્વ પ્રેમી અને તેના મિત્રએ છેડતી કરી હતી. આ સમયે પૂર્વપ્રેમીએ ચાલું એક્ટિવાની ચાવી કાઢી લીધી હતી. જેથી બંને યુવતી રોડ ઉપર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. આ બાબતે યુવતીએ પૂર્વ પ્રેમી સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાણીપમાં રહેતી સોનલ(20) (નામ બદલેલ છે) તેની મિત્ર કાજલ(નામ બદલેલ છે) લગભગ 4.15 વાગ્યે બંને રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અન્ય એક એક્ટિવા પર સાહિલ વાઘેલા અને અનિકેત ગાયકવાડ તેમની પાસે આવ્યા હતા. જેમાં સાહિલે સોનલને એક્ટિવા ઉભું રાખવાં કહ્યું પરંતુ સોનલએ ઉભું રાખ્યું ન હતું. જેથી સાહિલે ચાલું એક્ટિવાની ચાવી કાઢી લેતા સોનલ અને કાજલ મોપેડ સાથે રોડ ઉપર પટકાઈ હતી. બંનેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

યુવતીની ફરિયાદ બાદ પોલીસે અનિકેતની અટકાયત કરી અને સાહિલની શોધ હાથ ધરી છે. પીઆઈ વી.એમ.દેસાઈ એ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા સોનલ અને સાહિલે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેથી તે બંને ભાગી ગયા હતા અને થોડો સમય સાથે રહ્યાં હતાં. પરંતુ મનમેળ ન રહેતાં બંને પાછા આવી ગયા હતા. ત્યારથી સોનલ તેના ઘરે અને સાહિલ તેના ઘરે જ રહેતો હતો.