શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (08:20 IST)

ગણેશોત્સવ : ગુજરાતમાં કાર્યક્રમોને છૂટ, પણ મુંબઈમાં ધારા 144 લાગૂ

ગુજરાત સરકારે બુધવારે કૅબિનેટની એક બેઠકમાં ચર્ચા બાદ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો ડિસ્ક જૉકી (DJ) અને ગાયક-કલાકારોનાં વૃંદ અને બૅન્ડવાજાં સાથે યોજવાની પરવાનગી આપી છે. આ નિર્ણય પ્રમાણે હવે ખુલ્લા મેદાનમાં 400 લોકોની મર્યાદા સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજી શકાશે.
 
ગુજરાત સરકારની અગાઉની ગાઇડલાઇન પ્રમાણે જાહેર ગણેશોત્સવ કાર્યક્રમો દરમિયાન માત્ર આરતી અને પ્રસાદવિતરણની જ પરવાનગી અપાઈ હતી. તેમજ કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમની પરવાનગી નહોતી અપાઈ. જ્યારે આવા કાર્યક્રમોમાં સામેલ થનાર વ્યક્તિની મર્યાદા પણ 200 જ રાખવામાં આવી હતી.
 
નોંધનીય છે કે 10મી સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રાંરભ થઈ રહ્યો છે. રાજ્યમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ યોજાશે. ગુજરાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને છૂટછાટ જાહેર કરાઈ, કહેવાઈ રહ્યું છે કે લોકોની લાગણીને માન આપીને સરકારે આ પગલું ભર્યું છે.
 
જ્યારે બીજી તરફ મુંબઈમાં આગામી ગણેશોત્સવ દરમિયાન જાહેર મંડપોમાં ગણપતિનાં દર્શન કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. આ સિવાય સ્થાપના અને વિસર્જનમાં પણ માત્ર પાંચ-દસ લોકોને જ પરવાનગી આપવાની જાહેરાત કરાઈ છે. બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જારી કરાયેલ નવી ગાઇડલાઇન પ્રમાણે આ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આટલું જ નહીં ગણેશોત્સવને ધ્યાને રાખીને મુંબઈ પોલીસ દ્વારા શહેરમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. 
 
નોંધનીય છે કે ગુજરાત બુધવારે કોરોનાના 17 નવા કેસ નોંધાયા હતા. જ્યારે મુંબઈમાં 15 જુલાઈ બાદ પ્રથમ વખત કોરોનાનો આંકડો 500ને પાર કરી ગયો હતો. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે BMCએ કોરોનાના કેસોમાં વધારા અને ત્રીજી લહેરના ભયને પગલે આ નિયંત્રણો લાદ્યાં છે.
ગુજરાતમાં કઈ કઈ છૂટ અપાઈ?
 
- ગુજરાતમાં ગણેશસ્થાપના અને વિસર્જનના કાર્યક્રમોમાં વધુમાં વધુ 15 લોકો સામેલ થઈ શકશે
 
- ગુજરાત સરકારે DJ, કલાકારોના વૃંદ અને બૅન્ડવાજાં સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ યોજવાની પરવાનગી આપવાની સાથોસાથ તે અંગે કેટલીક મર્યાદાઓ પણ જાહેર કરી છે.
 
- આવા કાર્યક્રમમાં ભાગ લેનારા તમામે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
 
- તેમજ ખુલ્લા મેદાનમાં વધુમાં વધુ 400 અને બંધિયાર જગ્યામાં કૅપિસિટીના અડધા કરતાં વધુ વ્યક્તિઓ આવા કાર્યક્રમમાં સામેલ ન થઈ શકે તેવી જોગવાઈ કરાઈ છે.
 
- નોંધનીય છે કે પાછલા અમુક દિવસોથી ગુજરાતમાં કોરોનાના પ્રમાણસર ઓછા કેસો સામે આવી રહ્યા છે.
 
ગત વખતે ગુજરાતમાં શું હતી સ્થિતિ?
 
- 2020માં ગુજરાતમાં ગણેશવિસર્જન અને ગણેશસ્થાપના વખતે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ હતો
 
- ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે કોરોનાની સ્થિતિને પગલે ગત વર્ષે ગુજરાત પોલીસે જાહેરમાં ગણેશસ્થાપનાથી માંડીને વિસર્જન સુધીના તમામ કાર્યક્રમો યોજવાની મનાઈ ફરમાવાઈ હતી.
 
- અમદાવાદ પોલીસ દ્વારા 10 ઑગસ્ટના રોજ જારી કરાયેલ ગાઇડલાઇન અનુસાર ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનાર પર ભારતીય દંડસંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું હતું.
 
- ગત વખત મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ નિમિત્તે કોઈ પણ જાતના જાહેર કાર્યક્રમ યોજવાની સાથોસાથ સ્થાપના અને વિસર્જન વખતે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેમજ લોકોને ઘરમાં જ કે નજીકના સાર્વજનિક કૃત્રિમ વિસર્જન કુંડમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવાની પરવાનગી અપાઈ હતી.
 
આ વખતે પણ કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને રાખીને સરકારે ગણેશોત્સવની મંજૂરી કેટલાક નિયમો અને શરતોને આધીન આપી છે.
 
10મી સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રાંરભ થઈ રહ્યો છે શહેર-જિલ્લા પોલીસવડાની કચેરી દ્વારા ગણેશોત્સવ માટે ખાસ ગાઇડલાઇન પણ બનાવવામાં આવી છે. અને ગણેશોત્સવનું આયોજન કરનાર લોકોએ તેનું પાલન કરવું પડશે.
 
આ વખતે શું નિયમો છે?
 
- ગત વર્ષે સરકારે કોરોનાને પગલે ગણેશોત્સવ માટે ખૂબ જ કડક નિયમો સાથે મંજૂરી આપી હતી
 
- આ વખતે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે. ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર પણ માર્ગદર્શિકા આપી રહ્યું છે.
 
- આ વખતે ફક્ત માટીની મૂર્તિ જ વેચી અને સ્થાપી શકાશે. પ્લાસ્ટર ઑફ પેરિસ કે અન્ય કોઈ અમાન્ય પદાર્થથી બનાવટની મૂર્તિ પ્રતિબંધિત જ રહેશે.
 
- મૂર્તિની ઊંચાઈ જાહેર ગણેશ-સ્થાપના માટે ચાર ફૂટ, જ્યારે ઘર માટે બે ફૂટની મર્યાદા નક્કી કરાઈ છે.
 
વળી આ વખતે સ્થાપના અને વિસર્જન મામલે પણ કેટલાક નિયમો બનાવાયા છે. તથા મંડપ અને પૂજા-અર્ચના માટે પણ માર્ગદર્શિકા જાહેર થઈ છે.
 
- વિવિધ શહેરોના પોલીસ કમિશનરોએ પણ જાહેરનામાં બહાર પાડી દીધાં છે.
 
- આ વખતે જો મંડપની વાત કરીએ તો વહીવટી તંત્ર અને સરકારે જનતાને શક્ય તેટલો નાનો મંડપ રાખવા અપીલ કરી છે.
ઉપરાંત પૂજા-અર્ચના કરવાની છૂટ આપી છે, પરંતુ તેમાં સર્કલ દોરીને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જ પૂજા કરવાની પરવાનગી આપી છે.
 
- તદુપરાંત એ સમયે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. માસ્ક પહેરવા પણ ફરજિયાત રહેશે.
 
- ગત વર્ષે પ્રસાદની વહેંચણી માટે છૂટ નહોતી અપાઈ હતી, પરંતુ આ વખતે વહીવટીતંત્રે આ મામલે થોડી છૂટછાટ આપી છે.
 
શું છે સ્થાપના અને વિસર્જનના નિયમો?
 
- મૂર્તિની ઊંચાઈ જાહેર ગણેશ-સ્થાપના માટે ચાર ફૂટ, જ્યારે ઘર માટે બે ફૂટની મર્યાદા નક્કી કરાઈ છે
 
- સ્થાપનાની વાત કરીએ તો મૂર્તિની સાઇઝ નક્કી કરી દેવાઈ છે. તેનાથી મોટી મૂર્તિ નહીં લાવી શકાય. ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી કેટલીક મંજૂરી પણ લેવી પડી શકે છે. ખાસ કરીને DJ માટે મંજૂરી લેવી પડશે.
 
- વિસર્જન મહાનગરપાલિકાએ તૈયાર કરેલા કુંડ કે કૃત્રિમ તળાવમાં કરવાનું રહેશે.
 
- વહીવટી તંત્રે ફાળવેલ સ્થળે જ ગણેશસમિતિએ મૂર્તિ વિસર્જિત કરવાની રહેશે. અને જે રૂટ ફાળવવામાં આવેલા હોય તે જ રૂટથી વિસર્જન માટે જવાનું રહેશે.
 
- તદુપરાંત એક વાહનમાં 15 વ્યક્તિ જ વિસર્જન માટે જઈ શકશે. મૂર્તિ લાવવા માટે પણ આ જ નિયમ રાખવામાં આવ્યો છે.
 
- વળી મંડપમાં સૅનિટાઇઝરો અને તાપમાન માપવા માટે થર્મલ ગન સહિતની વસ્તુઓ પણ રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
 
- વળી પૂજા-અર્ચના આરતી કરી શકાશે. પ્રસાદ વહેંચી શકાશે. સાથોસાથ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે.
 
ગણેશોત્સવ દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે. તથા જે નિયમો બનાવાયા છે તેનો પણ કડક અમલ કરવા કહેવાયું છે. આટલું જ નહીં સાવર્જનિક ગણેશોત્સવ દરમિયાન તબીબી સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવી શકાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. મંડપમાં થૂંકવા, પાનમસાલા-ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.