લોહી લુહાણ થયો વડોદરા હાઇવે , એક જ પરીવારના 5 સભ્યોના મૃત્યુ - Fatal accident on Vadodara National Highway 48, 5 dead from same family | Webdunia Gujarati
મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 4 માર્ચ 2024 (11:25 IST)

લોહી લુહાણ થયો વડોદરા હાઇવે , એક જ પરીવારના 5 સભ્યોના મૃત્યુ

vadodara accident
vadodara accident



- વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રે અતિ જીવલેણ અકસ્માત સર્જાયો 
- એક જ પરિવારના 5 લોકોના કમકમાટીભર્યા મોત 4 વર્ષીય બાળકીનો આબાદ બચાવ
 
વડોદરાના તરસાલી હાઈવે પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક જ પરીવારના 5 સભ્યોના મૃત્યુ
વડોદરાના તરસાલી હાઈવે પાસે ગમખ્વાર સર્જાયો છે. જેમાં એક જ પરીવારના 5 સભ્યોના મૃત્યુ થયા છે. તેમજ અકસ્માતને પગલે હાઈવે ઉપર કલાકો સુધી ચક્કા જામ થયો હતો. તેમાં અલ્ટો કાર પાર્ક કરેલા કન્ટેનરમાં ઘૂસી જતાં અકસ્માત થયો છે. તેમાં એક વર્ષના બાળક સહીત એક જ પરીવારના પાંચ સભ્યોના મોત થયા છે.

ઈમરજન્સી વાન અને એમ્બ્યુલન્સ સાથે 10 બચાવ ટુકડી ઘટના સ્થળે ધસી જઈ રાહત કામગીરી આરંભી હતી. સયાજીપુરા પાસેના માધવનગર ખાતે રહેતાં એક વર્ષના બાળક સહીત એક જ પરીવારના પાંચ સભ્યોના કમકમાટીભર્યા મોત થયા હતા. અંકલેશ્વરના નિકોરા પાસે જમીન જોવા ગયેલ પરીવારની અલ્ટો કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.કપુરાઈ પોલીસ તુરંત જ ઘટના સ્થળે જઈ રાહત કામગીરી આરંભી હતી. વાહન વ્યવહારને પૂર્વવત કરવા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બનાવ સ્થળે મૃતકોના મૃતદેહ વેર વિખેર અવસ્થામાં પડયા હતા. અકસ્માતના આ બનાવમાં ચાર વર્ષની પુત્રી અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો હતો.

આ બનાવની વધુ વિગત અનુસાર શહેરની પાસે આવેલાં માધવનગર ખાતે રહેતાં બે પટેલ ભાઈઓ પ્રજ્ઞેશ પટેલ તેમની પત્નિ ઉર્વશીબેન, તેમના બે બાળકો અસ્મિતા અને લવ પટેલ તેમજ તેમના નાનાભાઈ મયુરભાઈ પટેલ અને તેમની પત્નિ ભાવિકાબેન સાથે સવારના સમયે રવિવારની રજા માણવા તેમજ અંકલેશ્વરના કબીરવડ પાસેના નિકોરા પાસે આવેલ તેમની જમીન જોવા અલ્ટો કારમાં સવાર થઈ નિકળ્યા હતા. દિવસભર રજાની મઝા માણી પરીવાર સાંજના સમયે વડોદરા તરફ આવવા માટે નિકળ્યો હતો.દરમિયાન રાતના સુમારે 10 વાગ્યાની આસપાસ તેમની કાર તરસાલી હાઈવે પાસે આવેલ ગીરનાર હોટેલ સામેથી આવી રહી હતી તે દરમિયાન એકાએક કારના ચાલકે કારના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રોડની બાજૂમાં પાર્ક કરેલા કન્ટેઈનર સાથે પાછળની બાજૂએથી ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતના આ બનાવને પગલે કારમાં સવાર બે ભાઈઓના પરીવારના પાંચ સભ્યોનુ ઘટના સ્થળે જ પ્રાણ પખેરૂ ઉડી ગયુ હતુ. હાઈવે પરના રહીશોને અકસ્માતની જાણ થતાં જ તેઓ તુરંત જ રાહત કામગીરી માટે દોડી આવ્યાં હતા.