ગુજરાતમાં હવે હાથીપગા રોગનો તરખાટ ચાર જિલ્લાઓમાં ૨૦૦થી વધુ કેસ નોંધાયાં
ગુજરાતમાં હજુ પણ હાથીપગાનો રોગ અસ્તિત્વમાં છે, સુરત જિલ્લા અને શહેરના મળીને કુલ ૨૪૮ કેસ નોંધાયા હતા, જ્યારે નવસારી જિલ્લામાં ૨૦, રાજકોટ જિલ્લામાં ૧૬ કેસ, જૂનાગઢમાં જિલ્લામાં પાંચ કેસ નોંધાયા હતા. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાથીપગા રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે. નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે જેમને કાયમી ધોરણે વિનામૂલ્યે દવાની સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. વિધાનસભા ખાતે નવસારી જિલ્લામાં હાથીપગા રોગના નોંધાયેલા દર્દીઓના પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે.