મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: વાપી, મંગળવાર , મંગળવાર, 30 મે 2023 (19:01 IST)

Vapi Murder Case - વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખની હત્યામાં પાંચ આરોપીની ધરપકડ

vapi news
vapi news
 
વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની હત્યા કેસમાં પોલીસે ભેદ ઉકેલી સોપારી આપનાર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. હત્યા માટે યુ.પી.ના શાર્પશુટરને રૂ.૧૯ લાખમાં સોપારી આપી રૂ.૧૦ લાખ ચુકવી દીધા હતા. જો કે ત્રણ શાર્પશુટરો પોલીસના હાથ લાગ્યા નથી. જુની અદાવતમાં ઉપપ્રમુખની હત્યા કરવા કાવતરૂ રચી અંજામ અપાયો હતો.
 
વાપીના કોચરવા ગામે મોટાઘર ફળિયામાં રહેતા અને વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ કીકુભાઈ પટેલ પર ગત તા.૮-૫-૨૩ના રોજ રાતા મહાદેવ મંદિર નજીક બાઈક પર આવેલા ત્રણ શાર્પશૂટરો ગોળીબાર કરી ભાગી છૂટયા હતા. શૈલેષ પટેલનું મોત થયું હતું. શૈલેષ પટેલની પત્ની મંદિરમાં ગઈ તે વેળા તેઓ સ્કોર્પિયો ગાડીમાં બેઠા હતા ત્યારે ઘટના બની હતી. 
 
આ ઘટના જૂની અદાવતને કારણે થઈ હોવાના આક્ષેપ સાથે પરિવારે છ વ્યકિતઓ સામે કાવતરૂ રચવા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શકમંદોને રાઉન્ડઅપ કરી પૂછપરછ આદરી હતી. જો કે આરોપીઓ દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું ન હતું. પોલીસે હત્યારા સુધી પહોંચવા સઘન તપાસનો દોર શરૂ કર્યો હતો. ડુંગરા પોલીસ, એલસીબી, જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અનેક લોકોના નિવેદનો નોંધવાની સાથે સીસી ટીવી ફુટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને કડીના આધારે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. 
 
આ કેસમાં પોલીસે હત્યાની સોપારી આપનાર મિતેશ પટેલ, શરદ ઉર્ફે સદીયો પટેલ, વિપુલ પટેલ તથા મદદગારી કરનાર સત્યેન્દ્ર ઉર્ફે સોનુ રાજપૂત અને અજય ગામિતની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી. જુની અદાવતમાં આરોપીઓએ સોનુ રાજપૂતની મદદથી યુપીના ત્રણ શાર્પશૂટરની મદદથી ગુનાને અંજામ આપ્યો હતો. હત્યાને અંજામ આપવા રૂ.૧૯ લાખમાં સોપારી અપાઈ હતી. જે પેટે રૂ.૧૦ લાખ ચૂકવી દેવાયા હતા. પૂછપરછમાં શાર્પશૂટરના નામો ખૂલતા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા ચક્રોગતિમાન પણ કરાયા છે.