શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 16 ઑગસ્ટ 2023 (16:51 IST)

સેલ્ફ ડ્રાઈવ કરીને રાજસ્થાન ફરવા જવાનું કહી ગઠિયો અમદાવાદના યુવકની ગાડી લઈને ફરાર થઈ ગયો

આરોપી ગઠિયાએ ભાડા અને ડિપોઝિટના 35 હજાર રોકડા આપીને ગાડીના માલિકનો વિશ્વાસ મેળવી લીધો હતો
ગાડીના માલિકે રાજસ્થાન અને વડોદરા જઈને તપાસ કરી તો ખબર પડી કે ગાડી લઈ જનાર ચીટર છે
 
શહેરમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. વેપારીઓ હોય કે બિલ્ડરો હોય અનેક લોકો સાથે રૂપિયા અને વાહનની લેતી દેતીમાં વિશ્વાસઘાતની ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે શહેરમાં ગાડી ભાડે લઈ ભાડા અને ડિપોઝિટના રોકડા રૂપિયા ચૂકવીને આરોપી રાજસ્થાન જવાનું કહીને ફરિયાદીની ગાડી લઈને રફૂચક્કર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદીએ ધંધા માટે લોનથી ગાડી લીધી હતી. જે ગાડી રાજસ્થાન સેલ્ફ ડ્રાઈવ કરીને ફરવા જવા માટેનું કહીને આરોપી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 
 
જેસલમેર રાજસ્થાન જવા માટે કાર ભાડે જોઇએ છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે ચિરાગ નેપગાર નારોલ ખાતે એન્જલ જેન્ટ્સ ટ્રેલર નામની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે તથા એન્જલ ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સ ધરાવી કાર ભાડે આપવાનું કામ કરે છે. તેમણે પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ સાતમી જુલાઈએ પોતાની દુકાન પર હાજર હતાં ત્યારે રાતના સમયે તેમના મોબાઈલ પર ઇમ્તીયાઝ શેખ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, મારે સેલ્ફ ડ્રાઇવ કરીને જેસલમેર રાજસ્થાન જવા માટે કાર ભાડે જોઇએ છે. ત્યારે ફરિયાદીએ તેમને રૂબરૂ દુકાન પર આવીને મળવાનું કહ્યું હતું. આ ઈમ્તિયાઝ શેખ રાતના અગિયાર વાગ્યાના સુમારે તેમની દુકાન પર મળવા માટે ગયો હતો. ત્યારે ફરિયાદીએ તેની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લીધા હતાં અને એક ફોર્મ પણ ભરાવ્યું હતું. 
 
આરોપીનો ફોન અને GPS બંધ આવતું હતું
ત્યાર બાદ ફરિયાદીએ ઈમ્તિયાઝ શેખને ઈનોવા ગાડી ભાડે આપી હતી. તેમણે ગાડીના ભાડે પેટે તથા ડિપોઝિટ થઈને 35 હજાર રૂપિયા રોકડા લીધા હતાં. ત્યાર બાદ ઈમ્તિયાઝ શેખ ફરિયાદીની કાર લઈને નીકળી ગયો હતો. ત્યાર બાદ ફરિયાદીએ તેને ફોન કરતાં ફોન બંધ આવતો હતો. તે ઉપરાંત ગાડીમાં લગાવેલી GPS સિસ્ટમ પણ બંધ હતી. જેનું છેલ્લુ લોકેશન રાજસ્થાનના બાડમેર જિલ્લાના બોલી ગામનું બતાવતું હતું. ત્યાર બાદ ફરિયાદી રાજસ્થાન ગયા હતાં અને ત્યાં તેમની કારનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યાર બાદ ઈમ્તિયાઝ શેખે આપેલા વડોદરાના સરનામે ગયા ત્યાં પણ એ મકાનમાં બીજુ કોઈ રહેતું હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, ઇમ્તીયાઝ તથા તેના મિત્રો વિરૂધ્ધમા વડોદરા તેમજ બીજા પોલીસ સ્ટેશનમા ગુનાઓ દાખલ થયેલ છે અને તેઓ ચિટર છે. જેથી ફરિયાદીએ પાલડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.