1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 6 માર્ચ 2024 (11:59 IST)

સામાન્ય વહીવટ વિભાગનો અધિકારીઓને પત્ર:પેન ડાઉન કરનાર સરકારી કર્મચારીઓ ચેતી જજો

strike
- પેન ડાઉન, શટ ડાઉન, ચોક ડાઉન કરનાર સરકારી કર્મચારીઓને સરકારની ચેતાવણી 
-  સરકારના સમાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ આદિત્ય દેસાઇ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો
-  8.50 લાખ શિક્ષકો અને કર્મચારીઓના હિતમાં ચોક ડાઉન અને પેન ડાઉન કરવાની જાહેરાત  

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ અન્ય કર્મચારી મંડળો દ્વારા 6 માર્ચના વિવિધ પડતર માંગણીઓને લઇને પેન ડાઉન, શટ ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, તેને લઇને ગુજરાત સરકારના સમાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ આદિત્ય દેસાઇ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે.

તમામ અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ તથા સચિવને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તમારા વિભાગ હસ્તકના જે કર્મચારીઓ કે અધિકારીઓ 6 માર્ચના પેન ડાઉન, શટ ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ હેઠળ સરકારી કામગીરીથી અળગા રહે અને તેમની નિયમિત કામગીરી ન કરે તો તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ભગીની સંસ્થા શૈક્ષિક સંઘ દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા લોકસભાની ચૂંટણી અગાઉ ફરી એકવાર સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જૂની પેન્શન યોજના સહિતના શિક્ષકોના પડતર પ્રશ્નો મામલે સંઘ સાથે જોડાયેલી સંસ્થા પેન ડાઉન અને ચોક ડાઉન કરી આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. જોકે, અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી સમયે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે આંદોલન ઝડપથી પૂર્ણ થઇ ગયું હતું.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સાથે જોડાયેલી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના સહિત સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો મામલે ગાંધીનગરમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતભરના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. 4 માર્ચ સુધીમાં સરકાર માગ સ્વીકારી ઠરાવ બહાર નહિ પડે તો 6 માર્ચના રોજ સંયુક્ત મોરચા સાથે જોડાયેલા ગુજરાતના 8.50 લાખ શિક્ષકો અને કર્મચારીઓના હિતમાં મહામતદાન, ઓનલાઇન કામગીરીથી અડગા રહી ચોક ડાઉન અને પેન ડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પણ પડતર પ્રશ્નો ના ઉકેલાય તો 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે. જેમાં મેસેજ ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના 1 લાખથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, સાફા પહેરી ગાંધીનગર ઉમટી પડશે.