જાણો ગુજરાતની શાન એવા સિંહોનું ઘર ગીર અભ્યારણ્ય ક્યારે ખુલશે?
દેશભરમાં કોરોના મહામારીને પગલે તમામ પ્રાણી સંગ્રહાલયો, સફારી પાર્ક અને અભયારણ્યો પ્રવાસીઓ માટે બંધ છે. હવે ધીમે ધીમે બધા ક્ષેત્રે છૂટ અપાઇ રહી છે ત્યારે તેમાં પણ છૂટ આપવામાં આવી છે. આ અંગે ગુજરાતના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્યામલ ટીકેદારે એક પરિપત્ર જારી કર્યો છે. જેમાં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી, કેન્દ્રિય વન મંત્રાલય અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના પત્રોને ટાંકીને ગુજરાતના તમામ સીસીએફને ટાંકી જણાવાયુ છેકે, અનલોક-4 ની માર્ગદર્શક સુચનાઓ પ્રમાણે આગામી તા. 1 ઓક્ટો. 2020 થી રાજ્યના તમામ સફારી પાર્ક અને પ્રાણી સંગ્રહાલય અને તા. 15 ઓક્ટો. 2020 થી તમામ અભયારણ્ય અને રાષ્ટ્રિય ઉદ્યાનો પ્રવાસીઓ માટે ચોક્કસ શરતોને આધીન શરૂ કરવા મંજૂરી આપવામાં આવે છે. આ માટે કેન્દ્રિય વન મંત્રાલય, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના તા. 5 જુન 2020ના પત્ર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના તા. 10 જુન 2020 ના પત્રમાં જે માર્ગદર્શક સુચનાઓ પ્રસિદ્ધ કરાઇ છે તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. જોકે, જેતે વિસ્તારની સ્થાનિક સ્થળ, સ્થિતી, સ્થાનિક પ્રશાસનના વખતોવખતના આદેશ અન્વયે તેઓના પરામર્શમાં રહીને કાર્યવાહી કરવા પણ જણાવાયું છે. પીસીસીએફના પરિપત્રમાં સ્પષ્ટપણે સ્થાનિક તંત્રના સંકલનમાં કામગિરીનો નિર્દેશ અપાયો છે. આથી સફારી પાર્કમાં કેટલા વાહનોને પ્રવેશ આપવો, દરેક વાહનોમાં પ્રવાસીઓની વધુમાં વધુ સંખ્યા, ઉપરાંત અભયારણ્યમાં પણ એક જીપ્સીમાં વધુમાં વધુ કેટલાને બેસવાની છૂટ આપવી, પ્રાણી સંગ્રહાલયમાં પણ વધુમાં વધુ કેટલાને પ્રવેશ આપવો, વગેરે બાબતો અંગે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે. પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતી માટે માસ્ક, સેનેટાઇઝર ઉપરાંત અંદર ફરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું ફરજિયાત બનાવાય એવી શક્યતા પણ જોવાઇ રહી છે. અત્રે નોંધનિય છે કે, વર્ષો પહેલાં બર્ડ ફ્લુનો ખતરો ઉભો થયો એ વખતે સક્કર બાગ ઝૂના દરવાજે જ ખાસ પ્રકારની દવાયુક્ત મેટ બિછાવાઇ હતી. સોરઠ પ્રવાસનની દૃષ્ટિએ સૌથી વધુ સમૃદ્ધ છે. અહીં વર્ષે લાખ્ખો પ્રવાસીઓ આવે છે. પણ સાસણ ગીર અભયારણ્યમાં સિંહ દર્શન તેમજ આંબરડી અને દેવળિયા સફારી પાર્ક અને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કોરોનાને લીધે પ્રવેશ બંધ કરી દેવાયો હતો. આ એવા સ્થળો છે જેને લીધે આ સ્થળોએ વિપુલ પ્રમાણમાં રોજગારી મળી રહે છે. હોટલ, રેસ્ટોરન્ટો, ફાર્મ હાઉસ મુલાકાતીઓથી ધમધમવા લાગશે.