1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (08:46 IST)

લગ્નની કંકોત્રી આપી ઘરે પરત જતાં વરરાજા અને તેના પિતરાઈ ભાઈનું વાહનની ટક્કરે મોત

આબુરોડના માવલ ગામના યુવકના લગ્ન હોવાથી મંગળવારે ફોઇના દિકરા સાથે બાઇક ઉપર ચંદ્રાવતી ગામમાં પત્રિકા આપવા આવ્યા હતા. જ્યારે મોડી રાત્રે પરત ફરતી વખતે આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર વાહનની ટક્કરે બંને પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યાં હતા.આબુરોડ તાલુકાના માવલ ગામના રહેવાસી શંકરભાઈ હરજીજી રબારી બાઇક લઈને મંગળવારે પોતાના ફોઇના દીકરા થાનારામ રબારી (રહે.ઓર,તા.આબુરોડ) સાથે પોતાના લગ્નની પત્રિકા વહેંચીને મોડી રાત્રે પરત પોતાના ઘરે માવલ જઇ રહ્યા હતા. ત્યારે આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર પાછળથી આવી રહેલા અજાણ્યા વાહને ટક્કર મારતાં મામા-ફોઇના બંને ભાઈઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. મૃતક વરરાજા શંકર રબારી બ્રિજની નીચે પટકાયો હતો. જ્યારે થાનારામનો મૃતદેહ બ્રિજ પર લટકાઇ ગયો હતો. અકસ્માતના પગલે ચંદ્રાવતી ગામના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ આબુરોડ રિકો પોલીસને જાણ કરી હતી. રીકો પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.શંકર રબારીની લગ્ન ચંદ્રાવતી ગામમાં નક્કી કર્યા હતા. 11 ફેબ્રુઆરીએ જાન ચંદ્રાવતી ગામમાં આવવાની હતી. લગ્નના ત્રણ દિવસ પહેલા જે ગામમાં શંકરની જાન આવવાની હતી એજ ગામમાં શંકરનું અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ હતી. શંકર રબારીના વિધવા ફોઇનો એકનો એક દીકરો અકસ્માતમાં મોતને ભેટતા જાણે પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. થાનારામની વિધવા માતાએ એકના એક દીકરા ઉપર આખું જીવન ગુજાર્યું હતું. આખરે 22 વર્ષીય દીકરાનું માર્ગ અકસ્માતમાં મોતને લઇને સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે.