ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (11:39 IST)

અમદાવાદમાંથી ઈસ્લામિક સ્ટેટ આઈએસના બે ત્રાસવાદી ઝડપાયા

સરકાર ત્રાસવાદને નાથવાની વાતો કરે છે ત્યારે ચૂંટણી ટાણે જ અમદાવાદના રાયખડ ખાતે આવેલા યહૂદી ધર્મસ્થળ મેગન અબ્રાહમ સિનેગોગમાં ‘લોન વુલ્ફ’ પર એટેક કરવાનો પ્લાન બનાવી રહેલા ઈસ્લામિક સ્ટેટના બે ત્રાસવાદીઓ મોહંમદ કાસીમ અબુ હમઝા સ્ટીમ્બરવાલા અને ઉબેદ અહેમદ મીર્ઝા ઉઝેર અબ્દુલ રઉફ બેગની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મોહંમદ કાસીમ હાલ અંકલેશ્વરમાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલમાં ઈકો કાર્ડિયોગ્રામ ટેકનીશિયન તરીકે ફરજ બજાવે છે. જ્યારે ઉબેદ મીર્ઝા સુરતના વેસુ સ્થિત વીઆઈપી રોડ પર દાવત રેસ્ટોરાં ધરાવે છે અને ઉબેદ સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ક્રિમીનલ લોયર તરીકે પ્રેક્ટીસ પણ કરે છે. આ બંને સુરતના રહેવાસી છે.

એટીએસના પોલીસ અધિકારી વિજય મલહોત્રાના જણાવ્યા અનુસાર, કાસીમ અને ઉમેદ બંને અમદાવાદના યહૂદી આરાધનાલયમાં એટેક કર્યા બાદ જમૈકા ખાતે હિઝરત કરી જવાના હતા. કાસીમે હાલમાં જ અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે નોકરીમાં રાજીનામં આપ્યું હતું. જ્યારે કાસીમે જમૈકાના હિઝરાની હોસ્પિટલમાં ઈકો કાર્ડિયોગ્રામ ટેકનીશીયનમાં કામ કરવા વર્ક પરમીટના વિઝા માટે એપ્લાય કર્યું હતું. જ્યારે ઉમેદ પણ જમૈકા જવા માટે તૈયારી કરી રહ્યો હતો. જમૈકાનો અબ્દુલા અલ ફૈઝલ વહાબી-સલાફી વિચારધારા ધરાવતો ત્રાસવાદી છે. તેને લંડનની યુવતી સાથે લગ્ન કરી વિદેશમાં હિંદુ, યહુદીઓ અને અમેરીકન નાગરીકોની હત્યા કરી આતંક ફેલાવ્યો હતો. જ્યારે મુસ્લિમ યુવકોને જેહાદના માર્ગે વાળી તેમનું બ્રેઈન વોશ કરી તેને 7 જુલાઈના રોજ લંડનમાં થયેલા ત્રાસવાદી હુમલામાં ભાગ ભજવ્યો હતો.

બંને ત્રાસવાદીઓ પાસેથી બે લેપટોપ અને પેનડ્રાઈવમાં અબ્દુલ ફૈઝલના યહુદીઓ અને હિંદુઓ વિરૂધ્ધની ઉશ્કેરણીજનક સ્પિચના વિડિયો મળી આવ્યાં હતાં. બંને યુવાનો જમૈકાના અબ્દુલા અલ ફૈઝલના કોન્ટેક્ટમાં આવ્યાં હતાં. અબ્દુલા ફૈઝલે આ બંને યુવાનોને અમદાવાદના યહુદી આરાધનાસ્થળ પર હુમલો કરવા જણાવ્યું હતું. જેના માટે બંને યુવાનોએ અમદાવાદમાં આવી રેકી પણ કરી હતી. ISના ત્રાસવાદી સફી અરમર કે જે ભારતના કેટલાક સીરીયલ બોંબ બ્લાસ્ટમાં વોન્ટેડ છે તેની સાથે કાસીમ અને ઉમેદ ફોન દ્વારા કોન્ટેક્ટમાં હતાં. જ્યારે કાસીમ અને ઉમેદે કોલકત્તાથી બાંગ્લાદેશ પહોચી ટ્રેનીંગ પણ લીધી હતી. જ્યારે ભારતમાં આતંકવાદી પ્રવૃતિમાં બંને યુવકો સક્રિય હતા.