ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 ઑક્ટોબર 2017 (12:31 IST)

વરુણ અને રેશમાની પ્રેસ કોન્ફરન્સમાં હલ્લાબોલ, અધવચ્ચે પ્રેસ કોન્ફરન્સ અટકાવી

કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં જોડાતા ગુજરાતનું રાજકારણ જોરદાર ગરમાયું છે. ત્યાર બાદ હાર્દિકની માંડલની રેલીમાં ભાજપ પર કરેલા આક્ષેપ બાદ ગુજરાતના રાજકારણમાં બળતામાં ઘી રેડાયું હતું. હાર્દિક પટેલની માંડલ રેલી બાદ રેશ્મા પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિક પટેલ પર આક્ષેપ કરતાં ભાજપનો બચાવ કર્યો હતો. રેશમા અને વરૂણે આજે અમદાવાદમાં એક પ્રસ કોન્ફરન્સ કરી હતી જેમાં રેશમાં પટેલે પાસ કન્વીનર હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કરી તેને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો અને સાથે જ રેશમાએ હાર્દિક પટેલના લીક થયેલા સીસીટીવી કેમેરાવાળા ફૂટેજને લઈને કહ્યું કે, હાર્દિક પટેલ અવાર નવાર કોંગ્રેસ સાથે ગુપ્ત મીટીંગ કરી રહ્યો છે. રેશ્માએ હાર્દિક પર આરોપ લગાવતા કહ્યું કે, તે પોતાના ષડયંત્ર દ્વારા ગુજરાતનાં લોકોને ગુમરાહ કરી રહ્યો છે. પાટીદાર સમાજે પોતાના ભલા માટે હાર્દિકથી છેડો ફાડી દેવો જોઇએ તે પાટીદાર સમાજનો દુરપયોગ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ અમારી તમામ માગણીઓ સ્વીકારી લીધી છે. રેશમા પટેલે પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં એજન્ટોથી અમે ડરતા નથી તથા હાર્દિક પટેલ પાટીદાર સમાજને ગુમરાહ કરી રહ્યો છે. જોકે, પત્રકાર પરિષદ દરમિયાન હોબાળો થતા વરૂણ પટેલ પોતાનું નિવેદન આપી શક્યો નહતો. પાટીદાર સમાજનાં યુવાનો દ્વારા જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા બાદ હોબાળો થતા શબરી હોટલના માલીકે અધવચ્ચે પ્રેસ કોન્ફરન્સ અટકાવી હતી. પ્રેસ કોન્ફરન્સ અટકાવનાર યુવકોને રેશમાંએ કોંગ્રેસના એજન્ટો કહ્યા હતાં.  પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો થતાં ઘટના સ્થળ પર પોલીસ આવી પહોચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો