ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ, અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 32 તોલા સોનું પડાવ્યું
આજકાલના સગીર બાળકો અને યુવાનો ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ અને ફોટા પોસ્ટ કરીને ઝડપી લોકપ્રિયતા મેળવવા માટે અધીરા બની રહ્યા છે. ભવિષ્ય કે પરિણામોનો વિચાર કર્યા વગર અજાણ્યા લોકો સાથે દોસ્તી કરવાની આ ઘેલછા ખાસ કરીને સગીરાઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. વલસાડ જિલ્લાના ડુંગરી વિસ્તારમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર થયેલી દોસ્તીના કારણે એક સગીરાએ પોતાનું સર્વસ્વ ગુમાવવાનો વારો આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળ અને બ્લેકમેઇલિંગની શરૂઆત
મળતી માહિતી મુજબ, ડુંગરી પોલીસ મથક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને ધુવિલ પટેલ નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપી સગીરાને વલસાડની અલગ-અલગ હોટલોમાં લઈ ગયો હતો અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન આરોપીએ સગીરાના અંગત ફોટા અને વિડીયો પણ ઉતારી લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.
રૂ. 2 લાખ રોકડા અને 32 તોલા સોનું પડાવ્યું
બ્લેકમેઇલિંગના આ ખેલમાં આરોપી ધુવિલ પટેલે સગીરા પાસેથી રૂ. 2 લાખથી વધુની રોકડ અને 32 તોલાથી વધુ સોનાના દાગીના પડાવી લીધા હતા. આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે જો તે પૈસા અને દાગીના નહીં આપે તો તેના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. ડરી ગયેલી સગીરાએ ઘરના દાગીના અને રોકડ રકમ આરોપીને આપી દીધી હતી, જેનો ઉપયોગ આરોપીએ પોતાના અંગત કામો માટે કરી નાખ્યો હતો.
ઘરનું રીનોવેશન થતાં ભાંડો ફૂટ્યો
આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરાના ઘરમાં રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું અને પરિવારને સોનાના દાગીના તથા રોકડની જરૂર પડી હતી. ઘરમાંથી દાગીના ગાયબ જણાતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આખરે ડરના માર્યા સગીરાએ પોતાની માતા સામે ભાંગી પડીને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડની બ્લેકમેઇલિંગ અને પોતાની સાથે થયેલા કડવા અનુભવની તમામ સત્યતા જણાવી દીધી હતી.
પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સગીરાની માતાએ ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વલસાડ વિભાગના પોલીસ અધિક્ષક એ. કે. વર્માના જણાવ્યા મુજબ, પોલીસે આરોપી ધુવિલ પટેલ વિરુદ્ધ પોક્સો (POCSO) અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસે ગાયબ થયેલા રોકડ રકમ અને દાગીના રિકવર કરવાની દિશામાં તપાસ તેજ કરી છે.

