શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 જૂન 2018 (12:30 IST)

રથયાત્રા’ રૂટ પર 225 ભયજનક મકાનોને નોટિસ અપાઈ

અમદાવાદમાં જગન્નાથજીના મંદિરેથી પ્રભુ જગન્નાથજી બહેન સુભદ્રા અને બડે ભૈયા બલરામજીની સાથે પ્રજાનાં સુખદુઃખ જાણવા નગરચર્યાએ નીકળશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સ્વાગત માટેની ગતિમાન કરાયાં હોઈ રથયાત્રા રૂટ પરનાં ૨૨૫ ભયજનક મકાનને નોટિસ ફટકારવાની દિશામાં પણ કવાયત આરંભી છે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ દેસાઈ, મેયર બીજલબહેન પટેલ, શાસક પક્ષના નેતા અમિત શાહ વગેરેએ શહેરના નવ નિયુક્ત શાસકોએ અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાતાં આગામી રથયાત્રામાં હેરિટેજ સિટીને લગતો ટેબ્લો પ્રદર્શિત કરવાની જાહેરાત મીડિયા સમક્ષ કરી હતી.  
દરમિયાન તંત્ર દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રથયાત્રા રૂટ પરનાં ભયજનક મકાનોનો સર્વ હાથ ધરાયો હતો. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અઠવાડિયા પહેલાં આ સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી જે સર્વે ગઈ કાલે પૂર્ણ થતાં તંત્ર દ્વારા રથયાત્રા રૂટમાં કુલ ૨૨૫ મકાનને ભયજનક તરીકે શોધી કઢાયાં હતાં. કોટ વિસ્તારમાં ૧૬થી ૧૮ કિ.મી. લાંબા રથયાત્રા રૂટ પર ખાડિયા વોર્ડમાં સૌથી વધુ ૧૨૯ ભયનજક મકાન પણ આવ્યાં છે. ત્યાર બાદ દરિયાપુરમાં ૭૮ મકાન, જમાલપુરમાં ૧૦ મકાન, શાહીબાગમાં ૬ મકાન અને શાહપુરમાં સૌથી ઓછાં ૨ મકાનને ભયજનક જાહેર કરાયાં છે.
હવે આગામી અઠવાડિયામાં આ તમામ ભયજનક મકાનના કબજેદારોને તંત્ર દ્વારા વ્યક્તિગત ધોરણે નોટિસ ફટકારાશે તેમજ લાલ રંગનાં સ્ટીકર ચીપકાવીને આ મકાનનો ઝરુખો કે ઓટલો ભયજનક હોઈ ત્યાં વધુ લોકોએ રથયાત્રા નિહાળવા ઊભા ન રહેવું તેવી તાકીદ કરાશે. ગત વર્ષે રથયાત્રાના રૂટમાં ૨૩૨ ભયજનક મકાન હતાં, જે પૈકી ૧૮થી ૧૯ મકાનમાં કબજેદારોએ રિપેરિંગ કામ હાથ ધર્યું હતું અને ત્રણ મકાનને તંત્ર દ્વારા સ્વખર્ચે ઉતારી લેવાયાં હતાં. ચાલુ વર્ષે પણ તંત્ર દ્વારા અતિ જોખમી હાલતનાં ભયજનક મકાનને રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓની સલામતી માટે ઉતારી લેવાશે. રથયાત્રા વખતે હજુ પણ એક પણ ભયનજક મકાન જમીનદોસ્ત થઈને કોઈ ગંભીર પ્રકારની દુર્ઘટના સર્જાઈ નથી. આઠેક વર્ષ પહેલાં એક ભયનજક મકાનનો ઝરૂખો તૂટતાં બે-ચાર લોકો ઘવાયા હતા.