ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 જૂન 2018 (12:01 IST)

ગુજરાતના 11 જિલ્લામાં આવનારા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

રાજયમાં વિધિવત્ રીતે ચોમાસુ બેસી ગયા બાદ આગામી બે દિવસ માટે રાજયભરમાં સાર્વત્રિક સાથે કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી અને સોમવારે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકતા ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓના વેધર વોચ ગ્રૂપની બેઠક યોજાઇ હતી. જેમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને રાહત-બચાવ કામગીરી માટે સ્ટેન્ડ ટુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાહત નિયામક અને અધિક સચિવ મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, વલસાડ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાવા સાથે દક્ષિણ ગુજરાતના અન્ય ૯ તાલુકામાં પાંચથી સાત ઇંચ વરસાદ થયો છે. હાલ રાજયમાં કોઇ મોટી દુર્ઘટના થઇ નથી પરંતુ આગામી બે દિવસમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તે જોતા વહીવટી તંત્રને પણ સાબદુ કરાયું છે. ભરૂચ પાસે એસટી બસ પર કેટલાક લોકો ચડી ગયા હતા તે પાણીમાં ફસાયેલી બસના મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. તળાવ ફાટ્યું હોવાની ખાલી અફવા છે.  હવામાન વિભાગના નિયામક ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાત પર અત્યારે ઓફસોર ટ્રાફ અને અપરએર સાયક્લોનિક સરક્યુલેશન એમ બે પ્રકારની સિસ્ટમ કાર્યરત છે. જેથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. આ વાતાવરણ ધીમે ધીમે પૂર્વીય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી આગામી ૨૪ કલાકમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટમાં સારો વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. તે સાથે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થતા દમણગંગા અને તાપી નદીમાં પાણીનો ભારે આવરો થવાનો છે.