સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2019 (14:25 IST)

કોંગ્રેસના સંગઠનમાં સારાના બદલે 'મારા'ને સાચવી લેવાની વૃત્તિના કારણે અસંતોષ યથાવત

કોંગ્રેસના હાઈકમાન્ડે સંગઠનનું જમ્બો માળખું એટલા માટે રચ્યું હતું કે, અસંતોષને ખાળી શકાય. પરંતુ થયું તેનાથી ઉલ્ટું જ અસંતોષની સાઈઝ પણ જમ્બો થવા માંડી છે. એક તરફ નેતા એટલા જૂથ થઈ ગયા છે તો બીજી તરફ કાર્યકરો એટલાં હોદ્દા ઉભા કરવા પડે તેવી સ્થિતિ છે. પદલાલસાનો હેતુ પક્ષ કે લોકોની સેવા કરવાનો નહીં પણ મોટાભાગે કોંગ્રેસના મંચ અને પ્રતિષ્ઠાનો ઉપયોગ અંગત વગ વધારવા, રોલાં મારવા અને ધનસંચય માટે કરવાનો હોવાનું કહેવાય છે. આ અંગે કોર્પોરેશન સાથે સંકળાયેલા એક કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે, મંત્રીકક્ષાના ૧૮૨, જનરલ સેક્રેટરી ૪૩, કાયમી અને સ્પે.ઈન્વાઈટી ૫૪ જેટલાં નક્કી થયા છે. નિમણુંકોમાં કેટલાંક તો એવા છે, જેમની ધાકથી કોઈએ આત્મહત્યા કરી હોય, મારામારીના કેસમાં જામીન પર હોય, જમીનના કાવાદાવામાં ખેડૂતોને છેતર્યા હોય, રંગીન સ્વભાવના કારણે લફરાંબાજ હોય તેવા ગુનાઇત માનસ ધરાવનારાઓને પણ ત્રણ-ત્રણ હોદ્દા અપાયા છે. આ તમામ બાબતો મોવડી મંડળની દ્રષ્ટિ હિનતાને પુરવાર કરે છે. ઉપરાંત ચૂંટણીમાં જિલ્લાના એક કાર્યકરે ભાજપ સાથે સાંઠગાંઠ કરી વચેટિયાની ભૂમિકા ભજવી હતી, તેને સજાને બદલે હોદ્દાઓથી નવાજવામાં આવ્યા છે, તે વિવાદ હાલમાં ચગેલો છે, તેના અનુસંધાનમાં અન્ય બાબતો પણ ચર્ચામાં આવી છે. જે વિસ્તારમાં કોળી સમાજ અને પછાત વર્ગની બહુમતિ છે ત્યાં ઉચ્ચ વર્ગના પૂંછડિયા કાર્યકરને હોદ્દાની લ્હાણી કરવામાં આવી છે.

કોંગ્રેસની પરંપરાગત મત બેંકને નુકશાન થાય તે રીતે ઉચ્ચવર્ગને વધુ પદો અપાયા છે. ચૂંટણીમાં વચેટિયાઓએ નાણાંની આપ-લેમાં ખિસ્સાભરી લઈ જીતની નજીક પહોંચી ગયેલાં કોંગ્રેસના વહાણને ડુબાડી દીધું હતું. તેવી જ ભૂમિકા કેટલાંક વચેટિયાઓએ ડેલીગેટની નિયુક્તિ અને પદોની વહેંચણી વખતે ભજવી હોવાની ચર્ચા ચાલે છે. કચ્છના એક આગેવાને એક મીટીંગમાં ટોણો માર્યો હતો કે, નેતા બનીને ફરી રહેલાંઓ તેમના પત્નીનો મત પણ કોંગ્રેસને અપાવી શકતા હશે કે કેમ તે પ્રશ્ન છે. બીજા એકે કહ્યું હતું, જેમનો કોઈ જનાધાર નથી, કોઈ ઉમેદવારને પાંચ મત પણ અપાવી શકે તેમ નથી, તેઓ પ્રદેશ કોંગ્રેસની એસી કેબિનોમાં બેસીને રાજકારણ ખેલે છે ! સિનિયરોની મીટીંગમાં સપાટી પર આવેલા અસંતોષ બાદ કાર્યકરોમાં અંદરખાને મોટાપ્રમાણમાં ગણગણાટ ચાલે છે. ચોક્કસ આગેવાનોએ જ પોતપોતાના મામકાઓને બેસાડી દેતા અન્ય જૂથોમાં નારાજગી છે. કોંગ્રેસને કેટલાંક લોકો મંચ કે પગથીયા તરીકે વાપરે છે. અંદરખાને પોતાના કામો પતે તે માટે ભાજપ સાથે સાંઠગાંઠ રાખે છે અને તક મળે ત્યારે ભાજપમાં સરી જાય છે. ટિકિટ મેળવીને ચૂંટાયેલાઓ આ પ્રેકટિસમાં માહિર છે. સારાંના બદલે 'મારા'નું મહત્વ વધી જાય ત્યારે જે કફોડી સ્થિતિ આવે તે આજે કોંગ્રેસમાં છે.