ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (11:27 IST)

કલાપારખુ કલેકટરની રાજકોટ શહેરને કલાત્મક ભેટ-કલા સ્ટેશન

રાજકોટ: રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની કલેકટર કચેરી ખાતે નિર્માણ થયેલા ‘‘કલા સ્ટેશન’’નું લોકાર્પણ કર્યુ હતું. રાજકોટના તત્કાલિન કલાપારખુ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ‘‘સ્વાન્તઃસુખાય’’ પ્રોજેકટ હેઠળ રાજય સરકારના સહયોગથી કલેકટર કચેરીના પ્રાંગણમાં જ સંપૂર્ણ સુવિધાયુકત ‘‘કલા સ્ટેશન’’ નામના ઓપન એર થીયેટરનું નિર્માણ કરવાના ઓરતા સેવ્યા હતા.
આ પ્રસંગે ‘‘સોરઠી ડાયરીઝ’’ નામના અદભૂત નાટય શોનું આયોજન કરાયુ હતું. જેમાં ઝવેરચંદ મેઘાણીના પાત્રમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીર, કવિ રમેશ પારેખના પાત્રમાં જાણિતા યુવા કવિ અંકિત ત્રિવેદી, ચારણ કન્યાના પાત્રમાં આર.જે.દેવકી, રાજા ભગવતસિંહજીના પાત્રમાં જાણીતા કટાર લેખક જય વસાવડા, તથા ગુજરાતના આદિ કવિ નરસિંહ મહેતાના પાત્રમાં જાણીતા કલાકાર ધર્મન જોષીએ કલાનાં અદભૂત કામણ પાથર્યા હતા.

 
વરસાદી વાતાવરણને અનુલક્ષીને પ્રમુખસ્વામિ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિપપ્રાગટય કરી ઉદઘાટન કર્યુ હતું. જિલ્લા વહીવટી તંત્ર તરફથી વર્તમાન કલેકટર રેમ્યા મોહન તથા પૂર્વ કલેકટર ડો. રાહુલ ગુપ્તા સહિતના અધિકારીગણે મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્નન આપી અભિવાદન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા તથા અરવિંદભાઇ રૈયાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણી, તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.