રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (11:12 IST)

સંરક્ષણ ક્ષેત્રે સંશોધનો માટે દેશની સૌ પ્રથમ યુનિવર્સિટી બનતી ગુજરાત યુનિવર્સિટી: રૂા.૧૦૦ કરોડના ખર્ચે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની સ્થાપના કરાશે

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી અને મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી, જેમાં નાગરિકો અને ખેડૂતોના હિતમાં વિવિધ  નિર્ણયો કરવામાં આવ્યા હતા. 
 
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાત મંદ લોકોને રોજગારી મળી રહે અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય એ માટે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્યભરના શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ આગામી તા.૨૫મી ઓક્ટોબરના રોજ રાજ્યમાં સામૂહિક ખાદી ખરીદી કરીને વણાટકામના કારીગરોને પ્રોત્સાહિત કરશે. ખાનગી સંસ્થાના અધિકારી-કર્મચારીઓને પણ આ દિવસે ખાદી ખરીદવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. 
 
તેમણે ઉમેર્યુ કે, ઇન્ડીયા ટુડે ગ્રુપ વર્ષ ૨૦૧૫થી વાર્ષિક સફાઇગીરી પુરસ્કાર આપવાનું આયોજન કરે છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન આપીને પોતાની ઓળખ બનાવનાર અનેક લોકોને શ્રેણીબદ્ધ એવોર્ડ આપ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે ઇન્ડીયા ટુડે હેલ્થગીરી એવોર્ડ ગુજરાતને એનાયત કરાયો છે. આ એવોર્ડ ઇન્ડીયા ટુડે સફાઇગીરી એવોર્ડનું પુનઃજન્મ સ્વરૂપ છે. તેમણે આ એવોર્ડ બદલ સૌ આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. 
 
તેમણે ઉમેર્યુ કે, આજે તા.૬ઓક્ટોબર-૨૦૨૧ સુધીમાં ગુજરાતમાં  ૪,૨૬,૭૧,૯૦૬ એટલે કે, ૮૬.૫ ટકા નાગરિકોને પ્રથમ ડોઝ તથા ૨,૦૦,૫૮,૦૨૮ નાગરિકોને બીજો ડોઝ મળી કુલ ૬.૨૭ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  રાજ્યમાં પ્રતિ એક હજારે બે ડોઝના નાગરિકોને ૬૩૪ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં દેશના મોટા રાજ્યમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે.  
 
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહની પ્રેરક ઉપસ્થિતિમાં ડીફેન્સ રીચર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન-ડી.આર.ડી.ઓ. અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે અંદાજે રૂા.૧૦૦ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે નવી દિલ્હી ખાતે MOU કરવામાં આવ્યા છે. આ સેન્ટર ભારતનું ડી.આર.ડી.ઓ. અનુદાનિત સાયબર સિક્યુરીટી ઉપર કામ કરતું એક માત્ર સંશોધન કેન્દ્ર બની રહેશે. રાષ્ટ્રીય કક્ષાએ સંરક્ષણ ક્ષેત્રે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા અનુદાનિત ‘રીસર્ચ પાર્ક’ યુનિવર્સિટી ખાતે કાર્યરત થશે. 
 
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, કેન્દ્રીય અનુદાનથી અંદાજે રૂા.૧૦૦ કરોડના ખર્ચે સરકારી યુનિવર્સિટીમાં આકાર પામી રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંશોધન એ ગુજરાત માટે ગૌરવની બાબત છે. 
 
મંત્રીએ કહ્યુ હતું કે, સરકારના સિનિયર મંત્રીઓ સાથે તલાટીઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મક ચર્ચા થયા બાદ રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં તલાટી-કમ-મંત્રીઓએ તેમની રાજ્યવ્યાપી હડતાળ મુલતવી રાખીને ખેડૂતોને આજથી જણસીના દાખલાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.