સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (13:11 IST)

ગુજરાતી ભાષા દિવસ - ગુજરાતી ભાષા હિન્દી-અંગ્રેજી સાથે ભળી ઉંધિયા જેવી કોમ્બો ભાષા બની રહી છે

ઈસ્મત ચુઘતાઈ નામની ઉર્દૂ લેખિકાએ કહ્યું છે જે ભાષા રોટી નથી કમાવી આપતી એ મરી જાય છે. જે ભાષામાં માણસ વ્યવહાર, વેપાર કરે એ જ આખરે ટકતી હોય છે. ગુજરાતી જેવી વેપારી કોમ માટે આનાથી વધુ વાત કઈ લાગુ પડે? આપણે ત્યાં કહેવાય છે કે મરણનોંધમાં એક વૃદ્ધનું મૃત્યુ થાય કે અમુક છાપાનો એક વાચક સાથોસાથ ઓછો થાય છે. એટલે મરનાર વડીલનાં બે બેસણાં થતાં હોય છે. એક જાહેરમાં અને બીજે, છાપાનાં તંત્રીનાં હૃદયમાં અજ્ઞાત સ્થળે. આવું થવા પાછળ કારણો શું છે એ વિશે વિદ્વાનો વર્ષોથી વિચારતાં, લખતાં, ચર્ચતા આવ્યા છે. અમુક લોકો ડિનાયેલ મોડ’ પર છે કે ગુજરાતી ભાષાને કશો જ વાંધો નહીં આવે, એ તો જીવશે જ. ભાષા મરતી નથી વગેરે વગેરે ફીલગૂડ વાતોની ફેકટ્રીથી અડધી આંખ મીંચીને જીવ્યા કરે છે. બીજા લોકો અમારાં જેવા ખૂબ સીનીકલ છે જેને બધું ખતમ થઈ ગયું રે, કારવાં ગુઝર ગયા... ગુબાર દેખતે રહે વાળો ભાવ સતત લાગે છે. આથમતી ગિરા ગુર્જરીનાં છેલ્લાં દાયકાઓ દેખાય છે. અ-બ-ક-ડ-ઈ-ઉ, કહેવાતો - મુહાવરાઓ - કાવ્યો - વાર્તાઓ... બધું સમયના સૂર્ય પાછળ ધીમે ધીમે અસ્ત થતું દેખાય છે.
 
પરંતુ આ બેય સિનારિયો ખોટા છે. ગુજરાતી ભાષાને કંઈ નહીં થાય એવી ખુશફહમીમાં રહેવામાં માલ નથી અને બધું ‘ખતમ થઈ ગયું રે’ એવાં છાજિયાં લેવાનીયે જરૂર નથી. ગુજરાતનાં અનેક શહેરો, ગામોમાં ગુજરાતી વંચાય, બોલાય, લખાય છે. બાકાયદા, અંગ્રેજીમાં ભણેલા પણ સારું એવું ગુજરાતી લખે બોલે વાંચે છે. જેનું એક કારણ એ પણ છે કે ત્યાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ ખૂબ કાચું છે. ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકોનું અંગ્રેજી તો એટલું ખરાબ હોય છે આપણે સાંભળીએ તો કાનનું કૅન્સર થઈ જાય! અંગ્રેજી માધ્યમમાં ભણેલાં પણ ઘણાંખરાં દેશી અંગ્રેજી અને શુદ્ધ ગુજરાતી બોલે-લખે છે. એટલે થેંક્સ ટુ અંગ્રેજી શિક્ષકો ઑફ ગુજરાત, આપણી ભાષા મેજોરિટી ગુજરાત સુધી ટકી રહી છે. જે કામ ગુજરાતીનાં સારાં શિક્ષકોએ ના કર્યું એ અંગ્રેજીનાં ખરાબ શિક્ષકો કરી રહ્યાં છે. બીએ, એમએ, એમએસસી, કક્ષાનાં વિદ્યાર્થીઓ પણ "આઈ કનોવ્સ, "ચીલ્ડ્રન્સ જેવી ભૂલો કરે છે ત્યારે અમારી અંદરનો શેકસપિયર અમારું ગળું દાબીને કાન બંધ કરી દે છે, પરંતુ ગુજરાતીને જિવાડવી હશે તો માત્ર ગુજરાતનાં ખરાબ અંગ્રેજી શિક્ષકોથી કે શિક્ષણ પદ્ધતિથી નહીં ચાલે. ત્યાં પણ સારી ઉચ્ચકક્ષાની સ્કૂલ આવી રહી છે, ઘણી છે અને ત્યાંય શિક્ષણનું સ્તર ખૂબ સુધરી રહ્યું છે, જેમ મુંબઈમાં છે. ધીમે ધીમે નવી પેઢીમાંથી ત્યાંયે એક પછી એક ઘરોમાં અંગ્રેજીનો સારોએવો પગપેસારો થઈ રહ્યો છે. જેમ મુંબઈમાં લગભગ અંગ્રેજીમાં જ બાળકો ભણે છે અને ગુજરાતીમાં કોઈ ભણાવવાં માંગે તોયે સારી ગુજરાતી શાળા નથી. વિજ્ઞાન, ગણિત, અંગ્રેજીમાં ભણાવાય, મુખ્ય ભાષામાં હાયર લેવલનું અંગ્રેજી હોય અને બાકીનાં તમામ વિષયો ગુજરાતીમાં હોય એવો સફળ પ્રયોગ અમુક શાળાઓએ મુંબઈમાં કરેલો પણ એને બીજા અનુસર્યા નહીં! મુંબઈમાં કે મોટાં શહેરોમાં લુપ્ત થતી ગુજરાતી ભાષાનું કારણ સમય સાથે ન બદલાતી ગુજરાતી શાળાઓ છે અને પછી માબાપો.
 
સૌથી મોટું કારણ છે કે આપણે ભાષા અને જીવનશૈલીને અલગ રીતે જોઈએ છીએ. આપણા લેખકો વિદ્વાનો, શિક્ષકો એ સમજી નથી રહ્યાં કે જે ભાષા ગુજરાતી પુસ્તકોમાં - શાળાઓમાં ભણાવાય છે એને અને બાળકની લાઈફસ્ટાઈલને કોઈ લેવાદેવા નથી, જે બાળક મોટું થઈને વ્યવસાય, ધંધાનાં રણમેદાનમાં પડવાનું છે એને ગુજરાતી અસ્મિતાના ધરોહર બનવામાં રસ નથી. આજે ઈન્ટરનેટ, ટેકનોલોજીનાં જમાનામાં બાળકની લાઈફસ્ટાઈલમાં તળપદાં શબ્દોવાળી કવિતા - વાર્તા, જૂની શૈલીની રજૂઆત ક્યાંય ફિટ નથી થતી. બરમૂડા કે બીકીની સાથે પાઘડી પહેરવાની જીદ લઈને કોઈ બેસે તો શું કહે. લેખકો, લોકપ્રિય હોય તે પણ, જિવાતી ભાષામાં લખતાં નથી, બરીસ્તા - સીસીડીમાં કે નાઈટ કલબમાં જિવાતું જીવન જોયું નથી, જોયું છે તો નાકનું ટીચકું ચઢાવે છે, એવી રચનાઓ નવી પેઢી કેમ વાંચે? બીજી બાજુ અમુક લેખકો ટીનએજરને સર આંખો પર બેસાડવા દરેક બે શબ્દે ‘હેલો મેન’, ‘વો વો વો’, ‘ડ્યૂડ’, કમ ઓન, ‘યુ સી’ વગેરે શબ્દો નાખીને ગુજરાતી ભાષાનો એવો દાટ વાળે છે જાણે ખીચડી પર ચારોળી ભભરાવી હોય. ફિલોસોફી આદર્શવાદ અને સુફિયાણી સલાહનાં ભાર વગર લખાતું સારું સાહિત્ય છે નહીં. જે લખાય છે એમાં ટીવીનાં સોપઓપેરા જેવી કક્ષા છે. થાકેલ કંટાળેલ ગૃહિણીની બપોરનાં ટાઈમપાસ માટે લખાતી વસ્તુથી ભાષા બચાવવી એ પ્લાસ્ટિકની ચમચીથી ટનલ ખોદવા જેવું કામ છે.
 
કદાચ હવે નવી ગુજરાતી ભાષા ઘડવાનો સમય આવ્યો છે. ટેન્શનાત્મક સમય છે. જો આપણે ભાષાને સહેજ મોલ્ડ કરીને નવું રૂપ નહીં આપીએ તો આપણી ભાષા ‘મમીફાઈ’ થઈ જશે અને હોરીબલાત્મક સિચ્યુએશનમાં ચોંકોફાઈ થઈને રહી જશું. નવા શબ્દો શોધવા પડશે, જિવાતા નવા જીવનને સમજવું પડશે. બે ચિંતક, ચાર બાવા, પાંચ વિદૂષક અને છ સરકારી ભાટાઈ કરનારાઓથી મંચ પર સંગીત ખુરશી રમવાનો પિરિયડ પૂરો થયો.
 
આપણે ચેન્જ નહીં થઈએ તો મોડે મોડે મોડિફિકેશન કરવા જશું અને ત્યારે સમજાશે કે હવે ‘વરી’ કરીને નો ફાયદો, નાવ વ્હોટ ટુ કરવું જયાર કૂકૂ ફલ્યુ આફટર ઈટીંગ ધ ખેતર.... જય ગુજરાતી, જીવો ગુજરાતી - જોકસ અપાર્ટ!