સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (13:28 IST)

result

આજે યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ મરજીયાત છે:- શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 
 
રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારણાના હિતમાં તા.ર૪ ઓગસ્ટ-ર૦ર૧ એ યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ યથાવત રહેશે અને તેમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી તેવો સ્પષ્ટ મત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યકત કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણના થઇ રહેલા વિરોધને નિરર્થક વિરોધ ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે-ફરજિયાત નથી. એટલું જ નહિ, તે કોઇ કસોટી કે પરીક્ષા સ્વરૂપે નથી માત્ર સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણની નોંધ કે તેનો ઉલ્લેખ શિક્ષક સમુદાયની સર્વિસબૂક કે કેરિયરમાં કરવામાં આવશે નહિ.
 
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, રાજ્યના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને તથા શિક્ષણના હિતમાં રાજ્ય સરકારે આ આયોજન કરેલું છે. બાળકને તેની કક્ષા-ધોરણ પ્રમાણે લખતા, વાંચતા અને ગણતા આવડે તે ધ્યાને રાખીને શિક્ષકોને તાલીમ આપી સજ્જ કરાય છે. શિક્ષણમંત્રીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સમક્ષ આ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષક સંઘો સાથે બેઠક યોજીને તેમની સહમતિ મેળવી તેમને અનુકૂળ તારીખે એટલે કે તા.ર૪ ઓગસ્ટે આ સર્વેક્ષણનું આયોજન કર્યુ છે.
 
શિક્ષણ મંત્રીએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણની જે પહેલ રાજ્યમાં થઇ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા છેવાડાના વિસ્તારની શાળાના બાળકો-શિક્ષકોનું મોનિટરીંગ જેવી પહેલ શિક્ષક સમુદાયના સક્રિય સહયોગથી દેશભરમાં એકમાત્ર ગુજરાતમાં થઇ છે હવે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં પણ ગુજરાત લીડ લઇ રહ્યું છે. 
 
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના ૧.૧૮ લાખ જેટલા શિક્ષકોએ આ સજ્જતા સર્વેક્ષણને આવકારી તેમાં જોડાવાની સંમતિ આપી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે એમ પણ જણાવ્યું કે, શિક્ષક પદવી-ડીગ્રી મેળવીને સેવામાં જોડાય તે પછી શિક્ષણ ક્ષેત્રમાં સમયાનુકૂલ અનેક ફેરફારો આવતા રહે છે તેને અનુરૂપ તાલીમ સજ્જતા માટે આવું સર્વેક્ષણ જરૂરી પણ છે.
 
શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, શૈક્ષિક સંઘના બંધારણમાં પણ શિક્ષકોને સમય અનુરૂપ જ્ઞાન-શિક્ષણ પ્રક્રિયાને સુસંગત સજ્જ થવાનો ઉલ્લેખ છે જ. શૈક્ષિક સંઘની આ અંગે સંમતિ લઇને જ રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યુ છે. એટલે તેના બહિષ્કારની ઘોષણા વ્યાજબી નથી જ. તેમણે સમગ્ર રાજ્યના ૧.૮૦ લાખથી વધુ શિક્ષકોને અપિલ કરી છે કે આ અભિયાન શિક્ષકો માટે, આવનારી પેઢી સમાન હાલના બાળકો માટે અને નવી શિક્ષણ નીતિમાં જેને મહત્વ અપાયું છે તે પાયો મજબૂત કરવાના ફાઉન્ડેશન એજ્યુકેશનના ધ્યેયને સાકાર કરવા માટે છે.
 
શિક્ષણ મંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, વર્ષ ર૦૦૯માં યુ.પી.એ સરકાર દ્વારા સમગ્ર દેશમાં નો-ડિટેન્શન પોલિસી લાવવામાં આવી તેના કારણે પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો રહ્યો છે અને જે નૂકશાન થયું છે તેને ભરપાઇ કરવાનો આ સરકારનો પ્રયાસ છે. ભૂપેન્દ્રસિંહજીએ રાજ્ય શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બેયને અપિલ કરી છે કે રાજ્યનું બાળક ગુણવત્તાયુકત શિક્ષણ મેળવીને ભાવિ નાગરિક તરીકે આગળ વધે તે સરકાર, સમાજ અને શિક્ષક સમુદાય સૌની જવાબદારી છે. આ સામાજિક દાયિત્વ નિભાવવા શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં રાજ્યનો શિક્ષક સમુદાય જોડાય તેવો અનુરોધ શિક્ષણ મંત્રીએ કર્યો છે.
 
ગુજરાત શૈક્ષીક મહાસંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે અમે તમામ શિક્ષકો આજે અન્નજળનો ત્યાગ કરીને સર્વેક્ષણનો બહિષ્કાર કરીશું. પ્રાથમિક શિક્ષણ સંઘ કે જે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે તેમની સાથેના 5 ટકા શિક્ષકો સર્વેક્ષણમાં જોડાશે, બાકીના 95 ટકા શિક્ષકો સર્વેક્ષણનો બહિષ્કાર કરશે. કેટલાક શિક્ષકો પર સર્વેક્ષણમાં જોડાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અમારી જીત નિશ્ચિત છે. સર્વેસક્ષણ મરજિયાત છે એવું કહેવામાં આવે છે પણ વાતાવરણ ફરજીયાત જેવું બનાવવામાં આવ્યું છે. અમે કોરોનામાં મડદા ગણ્યા છે અને તીડ પણ ઉડાડયા છે. શિક્ષકોને અત્યાર સુધી સતત દબાવવામાં આવ્યા છે. હવે અમે દબાઈશું નહિ અને અમારા હક્ક માટે લડીશું. સરકાર 1.20 લાખ જેટલી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યાના ખોટા આંકડાઓ રજૂ કરી રહી છે. સાંજે બધું સ્પષ્ટ થઈ જશે, સાચા આંકડા સામે આવી જશે.