સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (14:38 IST)

હિકા વાવાઝોડા સામે તંત્ર સાબદું, કચ્છમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ

અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા વધુ તીવ્ર બની ગયું છે. પરિણામે ગુજરાતના દરિયાકાંઠે પ્રચંડ પવન ફુંકાશે. સાથે સાથે ભારે વરસાદ પણ થવાની શક્યતા છે. જેથી દરિયામાં સ્થિતિ ખરાબ થઇ શકે છે. મોજા ઊંચે ઉછળી શકે છે. માછીમારોને બુધવાર સુધી દરિયામાં નહીં જવા માટે સૂચના આપી દેવાઈ છે. વાવાઝોડાની શક્યતાને લઇને તંત્ર સાબદું થઇ ગયું છે. ત્યારે કચ્છમાં હિકાની અસર દેખાવા લાગી છે. હિકાને કારણે કચ્છના દરિયામાં મોજા ઉંચા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જેને કારણે એનડીઆરએફની એક ટીમ કચ્છમાં તૈનાત કરાઈ છે.કચ્છમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દેખાવા લાગી છે. લો પ્રેશરથી હિકા નામનું વાવાઝોડું ઓમાન તરફ ધપી રહ્યું છે, જેની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. હિકાને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જખો બંદરની 100 બોટ હજુ પણ દરિયામાં છે. કચ્છમાં કંડલા સહિતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયો તોફાની બનવાના પણ એંધાણ છે. ત્યારે એનડીઆરએફની એક ટીમ કચ્છમાં તૈનાત  કરાઈ છે. વામાન વિભાગના કહેવા મુજબ હિકાના ગુજરાત તરફ આવવાની શક્યતા ઓછી છે. પરંતુ તેનાથી રાજ્યના દરિયાકાંઠા પર પ્રચંડ પવન ફુંકાશે. રવિવારના દિવસે ઉત્તર પૂર્વ અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં દબાણના ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા પશ્ચિમ તરફ આગળ વધીને મજબૂત થઇ ગયું છે. હવામાન વિભાગના કહેવા મુજબ હિકા ગુજરાતના વેરાવળના પશ્ચિમ દક્ષિણમાં આશરે ૪૯૦ કિલોમીટર, પાકિસ્તાનના કરાંચીના દક્ષિણ પશ્ચિમમાં ૫૨૦ કિલોમીટર તથા ઓમાનના માસીરાહથી પૂર્વ દક્ષિણમાં ૭૧૦ કિલોમીટરના અંતરે સ્થિત છે.  હિકાની અસરને પગલે રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે. 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન પણ વરસાદ પડી શકે છે તેવુ હવામાન વિભાગનું કહેવું છે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 126 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.