1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (23:17 IST)

કેરળમાં ગુજરાતી શાળા બની ગુજરાતની ગરિમા, મેળવી આટલી મોટી સફળતા

ગુજરાતી ભાષા અને ખાસ કરીને ગુજરાતી શિક્ષણની વાત આવે ત્યારે આપણા ગુજરાતી માતા-પિતા હવે પોતાના બાળકોને ગુજરાતી ભાષા શીખવવા અંગે છોછ અનુભવતા હોય છે. એવામાં ગુજરાતની ગરિમા એવી ગુજરાતી ભાષાને કેરળમાં મોટું સમ્માન મળ્યું છે. ગુજરાતથી દૂર કેરળમાં ગુજરાતી ભાષાનું જતન કરતી અને શિક્ષણ આપતી એક શાળાએ 100 વર્ષ પૂર્ણ કર્યા છે.
કેરળના કોચીનમાં આવેલી ‘કોચીન ગુજરાતી સ્કૂલે’ તેના અસ્તિત્વના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સ્કૂલ કેરળના મટનચેરી વિસ્તારમાં આવેલી છે. 31 જાન્યુઆરી, 2019ના રોજ 100 વર્ષ પૂર્ણ કરનારી કોચીનની આ ગુજરાતી શાળાએ તેના ઉમદા શિક્ષણથી સંખ્યાબંધ વેપારી, ડોક્ટર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેદા કર્યા છે અને આજે પણ કેરળમાં રહેતી ગુજરાતી પ્રજા પોતાના બાળકોને આ ગુજરાતી શાળામાં ભણવા મોકલે છે. મહાજનો દ્વારા 1904માં અહીં માત્ર એક કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જે ગુજરાતી છોકરીઓને ગુજરાતી ભાષા શીખવતું હતું. ત્યારબાદ આ કોચિંગ સેન્ટરમાં વધતી જતી સંખ્યાને જોઇને બાળકોને સારું શિક્ષણ આપવા એક શાળા અસ્તિત્વમાં આવી. 1957માં કેરળ સરકારે તેને ગ્રાન્ટ-ઈન-એડ શાળાનો દરજ્જો આપ્યો. 1962માં આ શાળામાં અંગ્રેજી માધ્યમની પરવાનગી પણ મળી અને હાઇસ્કુલ અસ્તિત્વમાં આવી. હાલ આ શાળામાં 2500 વિદ્યાર્થીઓ અને લગભગ 115 શિક્ષકો છે જે દેશના ભાવિને જળું બનાવવામાં કાર્યરત છે.
આ શાળામાં બાળકોને શિક્ષણની સાથે તેમને પશુ-પક્ષીઓ સાથે સંવેદનશીલતાથી વર્તવાનું શીખવવામાં આવે છે. અહીં ગાયોની દેખભાળ માટે પાંજરાપોળ પણ શરૂ કરવામાં આવી હતી. તેમજ અહીં ચબુતરો પણ રાખવામાં આવ્યો છે. જે બાળકોને અન્ય જીવોની જાળવણી કરતા પણ શીખવે છે. ક્યારેક કેરળ ફરવા જવાનું થાય તો એક ગુજરાતી થઇને ગુજરાતની ગરિમા એવી આ શાળાની મુલાકાત લેવા જવાનું ન ચૂકતા!!