શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 એપ્રિલ 2018 (15:43 IST)

ગુજકેટમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ચાર ગુણ અપાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઇ છે. જેમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ચાર ગુણની અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને બે ગુણની લ્હાણી પરિણામ પહેલા જ થઈ ગઈ છે. ગુજરાતી માધ્યમમાં ચાર પ્રશ્નોમાં ભુલ હોવાથી તેના ચાર ગુણ અને અંગ્રેજી માધ્યમમાં બે પ્રશ્નોમાં ભુલ હોવાથી તેના બે ગુણ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. હાલમાં ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે અને તેની સામે કોઈને રજૂઆત હોય તો ૨૯ એપ્રિલ સુધીમાં બોર્ડને ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરી શકશે.

રજૂઆત માટે પ્રશ્નદીઠ રૂ. ૫૦૦ની ફી પણ ભરવાની રહેશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૩ એપ્રિલના રોજ ડિગ્રી એન્જિનિયરીંગ અને ડિગ્રી ફાર્મસી તથા ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા વિષય નિષ્ણાંતો પાસે આન્સર કી તૈયાર કરવામાં આવી હતી. આન્સર કી તૈયાર થયા બાદ બોર્ડ દ્વારા બુધવારના રોજ ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક પ્રશ્નોમાં ભુલ હોવાથી તેના ગુણ વિદ્યાર્થીઓને આપી દેવાનું નક્કી કરાયું છે. જ્યારે અમુક પ્રશ્નોમાં એક કરતા વધુ વિકલ્પ સાચા હોઈ કોઈ પણ સાચો વિકલ્પ લખનારને માર્ક આપવાનું નક્કી કરાયું છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજકેટમાં પરિણામ પહેલા જ ચાર ગુણ મળી જશે. જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને બે ગુણ મળશે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગણીતમાં એક ગુણ અને ફિઝીક્સ તથા કેમેસ્ટ્રીના પેપરમાં ત્રણ ગુણ આપવામાં આવશે. જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગણીતમાં એક ગુણ અને બાયોલોજીમાં એક ગુણ મળી કુલ બે ગુણ આપવામાં આવશે. આ ઉપરાંત ફિઝીક્સ-કેમેસ્ટ્રીમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા હોઈ બંનેમાંથી ગમે તે વિકલ્પ લખનારને માર્ક અપાશે. આમ, હાલમાં બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે અને તેની સામે કોઈને રજૂઆત હોય તો ૨૯ એપ્રિલ સુધી ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરી શકાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.