શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 માર્ચ 2023 (16:19 IST)

અમદાવાદમાં દહેજને લઈને પરીણિતાને ત્રાસ આપ્યો, નણંદો કહેતી કે તુ અપશુકનિયાળ છે તને અહીં નથી રાખવાની

dowry
અમદાવાદમાં દહેજનો વધુ એક મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં સાસરિયાઓ સાથે રહેતી પરીણિતાને તેની નણંદો અને પતિ દ્વારા દહેજની માંગને લઇ ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 
 
પરીણિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન 2016માં રીતરિવાજ પ્રમાણે પવનકુમાર તિવારી સાથે થયાં હતાં. લગ્ન બાદ પાંચ છ મહિના સુધી મને સાસરીમાં સારી રીતે રાખવામાં આવતી હતી. ત્યાર બાદ મારી નણંદો મને દહેજને લઈને મેણા ટોણા મારતી હતી. નણંદો એવું કહેતી હતી કે અમારે એક જ ભાઈ છે તું તારા પિયરમાંથી કશું લાવી નથી. અહીં રહેવું હોય તો પિયરમાંથી વધારે દહેજ લાવવું પડશે અને ત્રણ લાખ રોકડા પણ આપવા પડશે. 
 
પરીણિતાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે, તેની નણંદો પતિને ચઢામણી કરીને માર પણ ખવડાવતી હતી. નણંદો મને ઘરમાં ઘૂંઘટ રાખવાનું કહેતી હતી. તેની મેં ના પાડતાં મને માર માર્યો હતો અને મારા પિયરના લોકોને ગંદી ગાળો પણ આપી હતી. આ દરમિયાન પરિણિતાનું બ્લડ પ્રેશર ડાઉન થતાં તે બેભાન થઈ ગઈ હતી. પરંતુ સાસરિયાઓમાંથી કોઈએ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી નહોતી. ઉપરથી ઘરની બહાર કાઢી મુકી હતી. નણંદો પતિને એવું કહેતી હતી કે આ મરતી હોય તો મરવા દે અમે તને નવી પત્ની લાવી આપીશું. 
 
આવા ત્રાસને લઈને પરીણિતાએ તેના પિયરીયાઓને જાણ કરતાં તેની માતાએ તેને રોકડા રૂપિયા પણ આપ્યા હતાં. ત્યાર બાદ નંણદો દ્વારા સંતાનનો મુદ્દો ઉઠાવીને પરીણિતાને હેરાન કરવામાં આવતી નથી. તેઓ દ્વારા એવા ટોણા મારવામાં આવતાં હતાં કે, અમારા ભાઈ માટે તુ અપશુકનિયાળ છે તારે સંતાન થતાં નથી. જેથી તને અહીં રાખવાની નથી અને ઘરની બહાર કાઢી મુકવાની ધમકીઓ આપતાં હતાં. ત્યાર પતિ પણ તેની સાથે આઠેક મહિનાથી રહેવા નહીં આવતાં કંટાળીને પરીણિતાએ પોલીસમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.