રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 માર્ચ 2019 (12:15 IST)

હાર્દિકના કોંગ્રેસમાં જોડાયા બાદ ખુદ પાટીદારો પણ નારાજ થયાં, વાંચો એક રસપ્રદ ઈનસાઈડ સ્ટોરી

patidar

રાજકારણ અને રાજકારણીઓ આજ સુઘી કોઈના થયા નથી કે થશે પણ નહીં. એક આંદોલનના નામે હજારો લોકોને અભિયાનમાં જોડીને સરકાર સામે લડવાની ગુલબાંગો ફૂંકી શકાય છે પણ એ પછી શું થઈ શકે એ કદાચ પાટીદાર આંદોલનમાં શહિદ થયેલા લોકોના પરિવારજનો જણાવી શકે છે. વરુણ પટેલ, લલિત વસોયા, રેશ્મા પટેલ અનેક પાટીદાર આંદોલનકારીઓ ભાજપ કે કોંગ્રેસનો સાથ પકડી ચૂક્યા છે.
 
ત્યારે છેલ્લો વધેલો હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. હવે વાત કરીએ આ બાબતની ઈનસાઈડ સ્ટોરીની અગાઉ જે લોકો આંદોલનમાં જોડાયા અને પછી ભાજપમાં ગયા ત્યારે કોઈએ બૂમના મારી કે ફલાણા વ્યક્તિના કારણે અમારુ જીવન હરામ થઈ ગયું અને જેવો હાર્દિક કોંગ્રેસમાં ગયો કે એક પછી એક વાત ચર્ચાતી શરુ થઈ ગઈ. આમ તો આ રાજકારણ છે અહીં સગો બાપ પણ માન્ય નથી. 
પાટીદારોને અનામત મળે તેવી માંગણી જોરશોરથી ઉઠાવનારા અનેક કન્વિનરો નેતાઓ બની ગયા અને ભાજપ કે કોંગ્રેસનો છેડો પકડી લીધો. 25મી ઓગસ્ટ, 2015ના રોજ પાટીદાર આંદોલન સમયે હાર્દિકની ધરપકડ અને પોલીસના લાઠીચાર્જ બાદ ગુજરાતભરમાં તોફાનો થયા. આ તોફાનોમાં 13 જેટલા પાટીદાર યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ જ આંદોલનનો એક ચહેરો મહેસાણાનો પ્રતિક પટેલ હતો. પ્રતિકને પોલીસના ફાયરિંગમાં ગોળી વાગી હતી, જે બાદમાં તેનું જીવન દુષ્કર બની ગયું છે. મહેસાણા એ વખતે આંદોલનનું મુખ્ય સેન્ટર હતું. પ્રતિક પટેલ મહેસાણામાં આંદોલનનું નેતૃત્વ કરતો હતો. 
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ધમાલ થઈ અને આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.હાર્દિકની ધરપકડ થતાં આંદોલનકારી પ્રતિક પટેલ અને તેના મિત્રોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ ગોળીબારમાં પ્રતિકના એક મિત્રનું મોત થયું હતું. પ્રતિક પટેલને પણ માથામાં ગોળી વાગી હતી.  ગોળી વાગ્યા બાદ પ્રતિકને લકવો થઈ ગયો અને તેની જિંદગી દુષ્કર બની ગઈ હતી. હાલ પ્રતિક ટેકા વગર પોતાની રીતે ચાલી પણ નથી શકતો. સરખી રીતે બોલી પણ નથી શકતો.  
 
પ્રતિકના પિતા બાબુભાઈ અને તેમના પત્નીની આંખોમાં એટલો જ આક્રોશ છે. બાબુભાઈનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણી પછી પાટીદાર સમાજ કે પછી સરકારે તેમના કોઈ ખબર અંતર પૂછ્યા નથી. સાથે જ બાબુભાઈ કહે છે કે કોંગ્રેસ સાથે જોડાઈને હાર્દિક પટેલે સમાજ સાથે દગો કર્યો છે. બાબુભાઈ કહે છે કે, અમે આશા રાખીને બેઠા છીએ કે સરકાર અને પાટીદાર સમાજ અમારી હાલત તપાસીને અમને કોઈ મદદ કરે. અહીં વાત એ કરવી છે કે જે લોકો ભાજપમાં જોડાઈ ગયાં એ પણ પાટીદાર આંદોલનનો એક ભાગ હતાં શું તેમણે સમાજ સાથે દગો નથી કર્યો? કોંગ્રેસમાં જોડાવું પાપ હોઈ શકે?