શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (13:24 IST)

એફિડેવિટને લઇને હાઇકોર્ટે વ્યક્ત કર્યો અસંતોષ, લગ્નમાં સંખ્યામાં ઘટાડો કરવા સરકાર વિચાર કરશે

રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 56 પેજનું સોગંદનામું રજૂ કર્યું હતું. જેને લઇને આજે હાઈકોર્ટમાં સુનવણી ચાલી રહી છે. ગુજરાતમાં કોરોનાની કથળેલી સ્થિતિ પર હાઈકોર્ટની સુઓમોટો પર સરકારે સોગંધનામું રજુ કર્યું છે. ત્યારે સુનાવણીમાં હાઈકોર્ટે કહ્યું હતું કે અમે અહીં આવી ઘટનાઓ રોકવા માટે ચર્ચા કરી રહ્યાં છે. સરકાર આગામી સમયમાં આવી ઘટનાઓ રોકવા શું કરી રહી છે. સરકારના પગલાઓ માત્ર કાગળ પર જ છે, એફિડેવિટમાં નથી. 
 
એફિડેવિટને લઇને હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કરતાં હાઇકોર્ટે કહ્યું હતું કે એફિડેવિટ સીલબંધ કવરમાં મળી નથી અને સ્ટેપલર પણ મારેલા નથી. સિરિયલ વાઇઝ પેજીનેશન પણ કરેલું નથી. આ મુદ્દે હાઇકોર્ટે મનીષા લવકુમારને ખખડાવ્યા હતા અને હવે પછી યોગ્ય રીતે એફિડેવિટ ફાઇલ કરવાની ખાતરી માંગી હતી. 
 
રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે એફિડેવિટ રજૂ કરવામાં આવતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સોગંધનામું હંમેશા ઓફિસે ફાઇલ થવું જોઇએ. જો નિવાસ્થાને સોગંધનામું ફાઇલ કરવા આવો છો તો સંબંધ અધિકારીઓની હાજર ફરજિયાત છે. સોગંધનામું જે માળખામાં રજૂ કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. 
 
શાલીન મહેતાએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરતાં કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે,  લોકો ગ્રામ્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે. આગળ રજૂઆત કરતાં કહ્યું હતું કે હજુ 15 દિવસ લગ્ન સમારોહ પર પ્રતિબંધ મુકવો જરૂરી છે. લગ્ન સમારોહમાં 50ની સંખ્યામાં ઘટાડો કરવો જોઇએ. આ ઉપરાંત અંતિમયાત્રા અને અંતિમવિધિ પણ સંખ્યામાં ઘટાડો કરવો જોઇએ. 
 
ત્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે લગ્નમાં સંખ્યાના ઘટાડાને લઇને સરકાર વિચારણા કરશે. જરૂર જણાશે તો સરકાર પગલાં પણ લેશે. 
 
અરજદારે કહ્યું હતું કે ફાયરસેફ્ટી અભાવ માત્ર કોવિડ સેન્ટરોમાં જ નહી દરેક હોસ્પિટલમાં છે. એએમસી નર્સિંગ હોમ્સના વકિલ મિહિર ઠાકોરે જણાવ્યું હતું કે 5 ગાયનેક હોસ્પિટલ એનઓસીના લીધે સીલ કરવામાં આવી. અમદાવાદમાં 100 જેટલી એવી હોસ્પિટલોમાં જ્યાં રેસિડેન્શિયલ વિસ્તારમાં કોર્મર્શિયલ પ્રવૃતિ થાય છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે રાજ્યમાં આવતીકાલે રાત્રિ કરફ્યુંને લઇને મુદ્દત પુરી થાય છે. ત્યારે આજે રાજ્ય સરકાર નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને સાંજે કોર કમિટિની બેઠક યોજાશે. જેમાં નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં લગ્ન સમારંભ અને અંતિમ વિધિની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે.