મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 જુલાઈ 2021 (09:23 IST)

રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન  111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસા વલસાડના કપરાડામાં 5 ઇંચ નોંધાયો છે. જ્યારે વલસાડના ધરમપુરમાં 4 ઇંચ નોંધાયો છે. નવસારીના ખેરગામ અને આહવા ડાંગમાં 3 કરતાં વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં 10 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે 27 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. અમદાવાદમાં દિવસભર કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા પરંતુ વરસાદ વરસ્યો ન હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મૂશળાધાર વરસાદ ખાબક્યો હતો. સમુદ્ર કિનારે લો પ્રેશર અને સાઇક્લોનિક સુર્કુલેશન સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં 11 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામમાં 11 ઇંચ, દમણમાં 10 ઇંચ, વાપીમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. સંઘ પ્રદેશ દમણ સહિત વલસાડ જિલ્લામાં મૂશળાધાર વરસાદના લીધે નીચલા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. 
ઉમરગામમાં સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 12 કલાકમાં 10.5 ઇંચ મૂશળાધાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાય હતા. ઉમરગામમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી બે કલાકમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણમાં 10, વાપીમાં 9, નવસારીમાં 8 અને વલસાડમાં 6 જ્યારે કપરડામાં 4 અને પારડીમાં 3.5 ઇંચ વરસાદ થયો છે. 
 
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.