1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (12:46 IST)

વરસાદે ગુજરાતને બરાબરનું બાનમા લીધું, નદીઓમાં નવા નીર આવતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો

heavy rain in gujarat
heavy rain in gujarat
ગુજરાતમાં સિઝનમાં મેઘરાજા હવે મન મુકીને વરસવા માંડ્યાં છે. આજે સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 104 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જુનાગઢ ના વિસાવદરમાં વધુ અઢી ઇંચ વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે. તે ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ અને રાધનપુરમાં પણ સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. ધાંગધ્રા અને દિયોદર સહિત થરાદમાં પણ બે -બે ઇંચ વરસાદ થતાં મેઘમહેર જામી છે.

રેલવે દ્વારા ગત મોડી રાત્રીએ મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે હવે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બ્રીજ નં.502 પર અપલાઈન પર પાણી જોખમી સ્તરથી નીચે ઉતરવાના કારણે આ ટ્રેક પરથી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. જેથી અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનોને ધીમે ધીમે સાવધાનીપૂર્વક ચલાવવામાં આવી રહી છે. જોકે રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે.  નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે ભરૂચ-અંકલેશ્વરને જોડાતા જૂના નેશનલ હાઇવે નં.8 પરથી પાણી વહી રહ્યું છે. નર્મદા ડેમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે અંકલેશ્વર તાલુકાનાં અનેક ગામો પાણીમાં ડુબાણમાં ગયાં છે.

સવારે નર્મદા નદી 40 ફૂટથી વધારે સપાટીએ વહી રહી છે. ત્યારે અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકોના જનજીવનને ભારે અસર પહોંચી છે.સરકારે લોકોને રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમને તહેનાત કરવાની ફરજ પડી છે. આ દરમિયાન વડોદરા અને ભરુચ સહિત અનેક જિલ્લાઓમાં લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ  પડી હતી. પશ્ચિમ રેલવેમાં વડોદરા ડિવિઝનમાં ભરુચ-અંકલેશ્વર સેક્શનમાં 502 નંબર બ્રિજ નજીક જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં રેલવે વિભાગની ચિંતા વધી છે. તેના પગલે રેલવેની અવર-જવરને અસર થઈ હતી. લગભગ 12 જેટલી ટ્રેનોને રદ કરાયાની જાહેરાત કરાઇ છે.