ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2024 (09:37 IST)

ગુજરાતમાં આજે અહીં થશે અતિભારે વરસાદ

Unseasonal rain
Unseasonal rain
- રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
- ચારથી પાંચ દિવસ સુધી નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાની શક્યતા 
- અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યું છે.

ગુજરાતમાં હાલના દિવસોમાં શિયાળાની ઠંડીનો અનુભવ થવાનો શરૂ થયો છે તેની સાથે જ ફરી રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આવતીકાલથી જ કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો આવી શકે છે અને વરસાદી વાતાવરણ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં ફરીથી ચારથી પાંચ દિવસ સુધી નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે અને હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
 
એક તરફ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યું છે. આ સિસ્ટમોની અસરની વચ્ચે દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની છે.
 
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો આવતા વરસાદ પડવાની શક્યતા છે.
 
હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
 
ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદની સંભાવના?
 
 
હાલ ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ પેદા થઈ છે. પંજાબથી લઈને રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના વિસ્તારોમાં ભારે ઠંડી અનુભવાઈ રહી છે.
 
આ સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ-ઉત્તર ભારત પર આવશે. 8 જાન્યુઆરીના રોજ આ સિસ્ટમ ભારત પર પહોંચી જશે અને તેની અસર અનેક વિસ્તારોમાં દેખાશે.
 
આ સિસ્ટમને કારણે રાજસ્થાન તથા મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડવાની સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
 
ગુજરાતમાં પણ બેથી ત્રણ દિવસ સુધી હવામાન પલટાશે અને ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અને હવામાનના આંકડાકીય મૉડલ અનુસાર ગુજરાતમાં ત્રણેક દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
 
રાજ્યમાં 8 જાન્યુઆરીના રોજથી હવામાનમાં પલટો આવવાનો શરૂ થશે અને 10 જાન્યુઆરી સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહે તેવી સંભાવના છે.
 
ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા ઉત્તર ભારતનાં બીજાં રાજ્યોમાં થશે જ્યારે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર તથા દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદ પડશે.
 
પાડોશી રાજ્યોની સાથેસાથે ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
 
સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં બે દિવસ વરસાદની શક્યતા છે, કચ્છ માટે હાલ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી પરંતુ તેમાં હવામાન પલટાઈ શકે છે.
 
8 જાન્યુઆરીના રોજ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજકોટમાં હળવા અને છુટાછવાયા વરસાદની આગાહી કરી છે.
 
જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત તથા દાદર અને નગરહવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ હળવા અને છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
9 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી તથા અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.