બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જુલાઈ 2022 (12:27 IST)

આગામી 4 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, દિયોદરમાં 8 અને ડીસામાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

rain
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં ગતરાત્રિ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ડીસામાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. ડીસામાં ધોધમાર વરસાદને પગલે 50થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમજ દુકાનોમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેથી દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
rain gujarat

જિલ્લાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ દિવસ દરમિયાન ભારે ઉકળાટ જેવી સ્થિતિ બની હતી. આ વચ્ચે ગઈકાલે અષાઢી બીજની મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.જિલ્લામાં દિયોદરમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે અમીરગઢ અને ડીસામાં પણ 5- 5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

પાલનપુર, ડીસા, અમીરગઢ અને દિયોદરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, જેથી વાહનચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં રાત્રે સતત 4થી 5 કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત રહ્યું છે. ગત રોજ સવારે 6થી આજના 10 વાગ્યા સુધીમાં ઉધનામાં 8 અને વરાછામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન તરબતર થઈ ગયું છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે સુરત સિટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવફ્લો થવાના આરે છે. હજું વધુ વરસાદ પડે તો ખાડી અને કોઝવે ભયનજક સપાટી વટાવી શકે છે. જેના પગલે પાલિકા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
rain
સુરતમાં સવારના સમયે પણ વરસાદ યથાવત રહ્યો હતો. તેના કારણે સવારના સમયે કામકાજ પર નીકળેલા લોકોને વરસતા વરસાદમાં જવાની ફરજ પડી હતી. લોકોએ વરસાદથી બચવા માટે ઓવરબ્રિજ નીચે સહારો લીધો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં તથા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.