રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (10:06 IST)

અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના

આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના
 
રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક  જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.   
 
સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે,  જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩  જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નીગ ૫ર છે. 
 
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત ૮૩,૨૩,૨૨૦ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન  ૮૧,૫૫,૨૨૦ હેક્ટર વાવેતર થયુ હતુ. 
 
રાજ્યમાં હાલ NDRF ની ૩ ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-૧, નવસારી-૧, રાજકોટ-૧ NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં ૨ અને વડોદરામાં ૧૦ એમ કુલ-૧૨ ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.
 
આ બેઠકમાં ઉર્જા,માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, કોસ્ટ ગાર્ડ,  પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગના અઘિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.